વિસાવદરની મુખ્ય સિવીલ કોર્ટમાં છેતરપિંડીના ગુનાના આરોપીના જામીન અરજી મંજુર કરવા જામીન રજુ થયા હતા તે જામીનદારને કોર્ટમાં હાજર કરી તેનું નિવેદન લેતા તેણે પોતાને લોભ, લાલચ અને દબાણપૂર્વક બોગસ જામીન તરીકે રજુ કર્યાનો અને પોતાની સહી વકીલોએ કરી હશે તેવું નિવેદન આપતા કોર્ટે ફરિયાદ કરવા હુકમ કર્યો હતો. આજે કોર્ટના રજીસ્ટ્રારે અમરેલીના બે વકીલ સહિત ત્રણ સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિસાવદર પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનાના ભુતડી ગામના આરોપી જય વજુ સીરોયાને તા. 30-8-2023 ના કોર્ટમાં રજુ કરતા તેના તરફથી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે જામીન અરજી મંજુર કરી હતી. આરોપીના વકીલ દ્વારા જામીન તરીકે અમરેલીના મનુદાસ બંસીદાસ દાણીધારીયાને જામીન તરીકે રજુ કરાયા હતા. ત્યારબાદ આરોપી રજુ ન થતા જામીનદારને રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા તા.૧ર-૩-ર૦રપના આરોપી સાથે હાજર રહેવાની નોટિસ ઈશ્યુ કરવામાં આવી હતી. આજે જામીનદાર મનુદાસ બંસીદાસ દાણીધારીયા હાજર રહ્યા હતા જ્યારે આરોપી હાજર રહ્યો ન હતો. આરોપી સામે કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યુ કર્યું હતું.
આરોપીના જામીનદાર મનુદાસ બંસદાસ દાણીધારીયાનું કોર્ટમાં નિવેદન લેવામાં આવતા તેણે આરોપીના વકીલોએ ખોટી રીતે જામીન પડવા લોભ, લાલચ આપી દબાણપૂર્વક બોગસ જામીન તરીકે કોર્ટમાં રજુ કર્યાનું જણાવ્યું હતું. રેકર્ડ ધ્યાને લેતા જામીનદારના નિવેદનમાં તેઓએ જણાવેલ વકીલના નામની પુષ્ટી વકાલાતનામામાંથી થઈ હતી. જામીન પેપર્સમાં સહી વકીલોએ કરી હશે તેવું પણ જણાવ્યું હતું. જામીનદારના આ નિવેદન બાદ કોર્ટે ફરિયાદ કરવા હુકમ કર્યો હતો. જેના અનુસંધાને વિસાવદર ફર્સ્ટ ક્લાસ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટના રજીસ્ટ્રાર સંજયભાઈ જયંતિલાલ લક્કડે અમરેલીના મનુદાસ બંસીદાસ દાણીધારીયા, વકીલ જે.આર. સૈયદ અને એસ.વાય. બીલખીયા સામે ફરિયાદ કરતા વિસાવદર પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.