અમદાવાદ : વેપારીને ખોટા કેસમાં ફસાવવાની અને જાનથી મારી નાંખવાની ધમકી, નવાબ બિલ્ડર્સ ભાઈઓ સામે ગુનો નોંધાયો

0
9

અમદાવાદ. શહેરના શાહઆલમ વિસ્તારમાં જાણીતા નવાબ બિલ્ડર્સ ભાઈઓ સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં સ્ક્રેપના વેપારીએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. દાણીલીમડામાં નવાબ બંગલોની સામે રહેતાં સ્ક્રેપના વેપારીનું મકાન છેલ્લા કેટલાક સમયથી શરીફખાનને કારણે વેચાતું નથી. ગત શુક્રવારે રાત્રે આરોપી ભાઈઓએ વેપારીને ઓફિસે બોલાવી મકાન મુદ્દે અપશબ્દો બોલી ધમકી આપી હતી.પોલીસે નવાબ બિલ્ડર્સના માલિકો બાબાખાન પઠાણ અને તેના ભાઈઓ મેહબૂબખાન અને શરીફખાન વિરુદ્ધમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

તમારા કારણે મારું મકાન વેચાતું નથી કહેતા જ ત્રણેય ભાઈ ઉશ્કેરાયા
મળતી માહિતી મુજબ દાણીલીમડામાં મેમણની ચાલીમાં નવાબખાનના બંગલાની સામે રહેતાં 45 વર્ષીય સાબીર હુસૈન ઈકબાલભાઈ લુહાર પ્લાસ્ટીક સ્ક્રેપનો અને ટી સ્ટોલ ધરાવી વેપાર કરે છે. સાબીરહુસેન તેમના મકાનની આજુબાજુમાં રહેતાં નવાબ બિલ્ડર્સના બાબાખાન, મેહબુબખાન અને શરીફખાનને સારી રીતે ઓળખે છે. શરીફખાનના લીધે સાબીરહુસેનનું મકાન વેચાતું નથી અને તેના ઘરે શુક્રવારે રાત્રે 9 વાગ્યે આવેલા નવાબ બિલ્ડર્સના માણસે જણાવ્યું કે, શરીફખાન તમને નવાબ બિલ્ડર્સની ઓફિસે બોલાવે છે. જેથી સાબીર રાત્રે નવાબ બિલ્ડર્સની ઓફિસે પહોંચ્યા હતા. ત્યારે ઓફિસમાં ત્રણે ભાઈઓ બાબાખાન, મેહબૂબખાન અને નવાબખાન હાજર હતા. જ્યાં મકાન વેચવા બાબતે વાતચીત થઈ હતી. જેમાં સાબીર હુસૈને જવાબ આપ્યો કે,તમારા કારણે મારું મકાન વેચાતું નથી. જેથી ઉશ્કેરાયેલા ત્રણે ભાઈઓ સાબીર હુસૈનને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા. મેહબૂબખાન અને શરીફખાને સાબીર હુસૈનને જાનથી મારવાની અને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જ્યારે બાબાખાને બિભત્સ શબ્દો બોલી બોલાચાલી કરી હતી.

ઈસનપુર પોલીસે તપાસ શરૂ કરી
સાબીરહુસેન દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. જો કે હદ ઇસનપુરની હોવાથી પોલીસે ઈસનપુર જવાનું કહ્યું હતું. સાબીરહુસેનની ફરિયાદને પગલે ઈસનપુર પોલીસે નવાબ બિલ્ડર્સના બાબાખાન નવાબખાન પઠાણ અને તેના ભાઈઓ મેહબુબખાન તેમજ શરીફખાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here