સુરત: સચિનના એપેરેલ પાર્ક નજીક 3 યુવાનો પર મધરાત્રે 8-10 જેટલા ઈસમોએ તલવારથી ઘાતકી હુમલો કરી એકને પતાવી દીધો હતો. મોડી રાત્રે થયેલી હત્યાની જાણ બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. અજાણ્યા ઈસમો દ્વારા થયેલા હુમલામાં મોત ને ભેટેલો યુવાન અખિલ રાજપુત હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે રાજા અને રવિ નામના ઇજાગ્રસ્તોને સારવાર માટે ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હત્યાની ઉપરા ઉપરી બનતી ઘટનાઓને લઈ શહેરમાં કાયદો – વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
અદાવતમાં હત્યાની આશંકા
સચિનમાં આવેલા એપેરલ પાર્કમાં બુધવારની રાતે અખિલ નામના યુવકની 8-10 જેટલા ઇસમોએ હત્યા કરી હતી. આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાતે 10 વાગ્યાના અરસામાં સચિનના એપરેલ પાર્ક પાસે અખિલ મદનસીંગ રાજપુત(ઉ.વ.29) નામનો યુવાન ગયો હતો. આ સમયે તેના પર 8-10 જેટલા ઈસમોએ ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલા અંગે સચિન પોલીસને જાણ કરાતા સ્થળ પર ધસી ગઈ હતી. ત્યારબાદ ઘાયલ યુવકને હોસ્પિટલમાં લઈ જતી વખતે માર્ગમાં જ દમ તોડી દીધો હતો. સ્થળ પર ચર્ચાયેલી વાતો મુજબ આજ સ્થળે અગાઉ એક ભરવાડની હત્યા થઈ હતી. તેની અદાવતમાં આ હત્યા કરાઈ છે. આ અંગે સચિન પીઆઈ એમ.વી બતુલે કહ્યું હતું કે, અખિલ નામના યુવક પર હુમલો કર્યો હતો. જેનું હોસ્પિટલમાં લઈ જતાં માર્ગમાં મૃત્યુ થયું હતું. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
આઠ સામે હત્યાનો ગુનો નોંધાયો
પરિવારજનોએ જણાવ્યું હતું કે, અખિલનો મિત્ર પાસેથી ભરવાડ ગેંગ દ્વારા રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા. જેથી અખીલ તેના ત્રણ મિત્રો સાથે રજૂઆત કરવા ગયો હતો. દરમિયાન અદાવત રાખીને તેના પર તલવારથી હુમલો કરી લીધો હતો. જેમાં એક તલવારનો ઘા તેના માથામાં વાગતા મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બેને પણ માર મારતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અખીલ પરિવારનો એકનો એક પુત્ર હતો. જેથી પુત્રના મોતની પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. હાલ પોલીસે નાજુ ભરવાડ, મેહુલ ભરવાડ, હરી ભરવાડ, જીતુ ભરવાડ, બુધા ભરવાડ, ઈશુ ભરવાડ, ગભરુ ભરવાડ સહિત આઠ સામે હત્યાનો ગુોન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બે દિવસમાં ત્રણ હત્યા
ગત રોજ મોડી રાત્રે ડિંડોલી સીઆર પાટીલ રોડ પર માનસી રેસિડેન્સી પાસે અભિષેક વાનખેડેની કરપીણ હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ અજાણ્યા છે. હત્યારાઓએ તીક્ષ્ણ હથિયારથી 10થી વધુ ઘા કરીને હત્યા કરી હતી. હત્યારા કે હત્યાના કારણ વિશે પરિવાર કે પોલીસને ખ્યાલ નથી. જ્યારે કમેલા દરવાજા સંજય નગરમાં રહેતો ફારૂખ ઉર્ફે વાન નાસીર શેખને તેના મિત્ર ઇકબાલ સાથે કોઈ વાતને લઈ ઝઘડો થયો હતો. જે પછી સાંજે ફારુખે દારૂની મિજબાની માણવા માટે પુણામાં બોલાવ્યો હતો. તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોતને ઘાત ઊતારી દીધો હતો. બંને કેસમાં હત્યારાઓ પોલીસ પકડથી દૂર છે.