ગુનેગાર જૂથો નકલી વેક્સિનનો ગેરકાયદે વેપાર કરીને કરોડો રૂપિયાની કમાણી કરી

0
4

વૈશ્વિક પોલીસ એજન્સી ઈન્ટરપોલના મતે કેટલાંક સંગઠિત ગુનેગાર જૂથો નકલી વેક્સિનનો ગેરકાયદે વેપાર કરીને કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. ઈન્ટરપોલ ગુનાખોરીની આ સમાંતર મહામારીની એક વર્ષથી તપાસ કરી રહી છે. એજન્સીના મહાસચિવ જુર્ગેન સ્ટોક કહે છે કે સંગઠિત થઈને ગુનાખોરી કરી રહેલાં આ જૂથો દુનિયાભરમાં ફેલાયેલી આ મહામારીનો ફાયદો ઉઠાવી રહ્યાં છે.

આ તપાસ અભિયાનના વડા સ્ટોકે ટાઈમ મેગેઝિનને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, આ ગુનેગારો અસલી વેક્સિન ચોરીને તેને વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે અથવા નકલી વેક્સિન બજારમાં વેચી રહ્યા છે. મને લાગે છે કે, હવે તેનાથી વેક્સિનેશનના રાષ્ટ્રીય અભિયાનો નકલી વેક્સિનથી પ્રભાવિત થશે. પરંતુ ઈન્ટરપોલને હાલમાં જ કેટલાક તસ્કરોના માધ્યમથી બીજા દેશોમાં નકલી વેક્સિન પહોંચાડાઈ રહ્યાની માહિતી મળી છે.

ઈન્ટરપોલે ગયા અઠવાડિયે નકલી વેક્સિનના પહેલા કેસની માહિતી આપી હતી. આ મુદ્દે ચીનમાં એક સંગઠિત ગુનેગાર જૂથે દક્ષિણ આફ્રિકા મોકલાઈ રહેલી વેક્સિનમાં સેલાઈન સોલ્યુશન ભરી રાખ્યું હતું. તેને કોવિડ-19 વેક્સિનના નામે વેચવાની યોજના બનાવાઈ હતી. આ મુદ્દે સ્થાનિક પોલીસ અને ઈન્ટરપોલના એજન્ટોએ જણાવ્યું કે આ કેસમાં અમે 80 લોકોની ધરપકડ કરી છે, જેમાંથી મોટા ભાગની કાર્યવાહી ચીનમાં થઈ છે. નકલી વેક્સિનના 2400 ડૉઝ જપ્ત કરાયા છે.

સ્ટોકના અનુમાન પ્રમાણે, આ વર્ષે જ્યારે વિવિધ દેશોમાં પ્રવાસ કે કામ પર વાપસી માટે વેક્સિનેશન પાસપોર્ટની શરૂઆત કરાશે, ત્યારે આવી છેતરપિંડી વધવાની આશંકા છે. ડાર્ક વેબ પર આવી સેવા ઉપલબ્ધ છે. કદાચ એટલે જ મહામારીની શરૂઆતના દિવસોમાં આવા ગુનેગારોએ હોસ્પિટલો, લેબોરેટરીઝ, સ્થાનિક સરકારો પર સાઈબર હુમલા કર્યા હતા. આ સંસ્થાઓના કમ્પ્યુટર હેક કરીને ખંડણી પણ માંગવામાં આવી હતી.

ઈટાલીમાં નદ્રનગેટા ગુનેગાર પરિવાર જેવા જૂના ગુનેગારોએ પણ મહામારીનો ફાયદો ઉઠાવ્યો છે. સ્ટોક કહે છે કે મેં છેલ્લા એક વર્ષમાં નોંધ્યું છે કે, જૂથો એકબીજા જોડેથી ઘણું ઝડપથી બધું શીખી રહ્યા છે. આજે વિશ્વના કોઈ હિસ્સામાં નકલી રસીની દુનિયામાં કંઈક થઈ રહ્યું હશે, તો કાલે તે બધે જ ફેલાઈ જશે.

લિક્વિડ ગોલ્ડ છે, વાઈરસની વેક્સિન

ફ્રાન્સના લિયોનમાં ઈન્ટરપોલના વડા મથકથી જુર્ગેન સ્ટોકે ફોન પર માહિતી આપી કે નકલી દવાઓના પહેલેથી ચાલતા વેપારથી નકલી વેક્સિનના ગુનાનું પણ પ્લેટફોર્મ તૈયાર મળી ગયું છે. મહામારીની શરૂઆતમાં ગુનેગારોનું ધ્યાન નકલી માસ્ક, ડિસઈન્ફેક્ટન્ટ અને કોવિડ-19ની ટેસ્ટિંગ કિટ પર હતું. હવે તેમની નજર વેક્સિનના કાળાબજાર પર છે. 2021માં લિક્વિડ ગોલ્ડ કોઈ હોય, તો તે કોરોના વેક્સિન છે. ગુનેગારોએ તેની સપ્લાય ચેનમાં ઘૂસણખોરી કરી લીધી છે. કાળાબજારના ગેરકાયદે વેપારના નિશાન પર સરકારી એજન્સીઓ અને સામાન્ય ખરીદારો હોઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here