બેન્કો બાદ હવે LIC પર સંકટ, એનપીએ 8.17 ટકાની વિક્રમી સપાટીએ

0
6

બેન્કો પછી હવે સરકારી ક્ષેત્રની વીમા કંપની એલઆઈસ પર એનપીએના સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2019-20માં એલઆઈસીની એનપીએ 8.17 ટકાની વિક્રમી સપાટીએ પહોંચી ગઈ હતી. છેલ્લા એક વર્ષમાં એલઆઈસીની એનપીએમં 2 ટકાનો વધારો થયો છે.

એલઆઈસી નજીકના સમયમાં આઈપીઓ લાવવાની યોજના કરી રહી છે તેવા સમયે તેની એનપીએમાં વધારો ચિંતાજનક છે. બેન્કોની જેમ એલઆઈસીએ પણ મોટા કોર્પોરેટ જૂથોને લોન આપી હતી, જે પાછળથી ડિફોલ્ટ થઈ ગયા હતા. એલઆઈસીની એનપીએમાં વધારાથી સામાન્ય લોકોની મૂડી પર જોખમ વધી ગયું છે.

નાણાકીય વર્ષ 2019ના અંતે એલઆઈસીની એનપીએ 6.15 ટકા હતી. સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના વાઈરસ મહામારી અને આૃર્થતંત્રમાં વર્તમાન અનિશ્ચિતતાના પગલે ચોક્કસ રોકાણો ડાઉનગ્રેડ થવાથી એનપીએમાં વધારો થયો છે.

દેશના મોટા કોર્પોરેટ જૂથો બેન્કોની જેમ એલઆઈસી પાસેથી પણ લોન લઈને ફડચામાં જતા રહ્યા છે. એલઆઈસી પાસેથી લોન લઈને ડિફોલ્ટર બની જનારી કંપનીઓમાં એસ્સાર પોર્ટ, ગેમન, આઈએલએન્ડએફએસ, દીવાન હાઉસિંગ ફાઈનાન્સ, ડેક્કન ક્રોનિકલ, ભૂષણ પાવર, યશ બેન્ક, વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ, આલોક ઈન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

નાણાકીય વર્ષ 2020ના અંતે એલઆઈસીની બેલેન્સ શીટ રૂ. 31.2 લાખ કરોડ હતી. નાણાકીય વર્ષમાં પોલિસીધારકો હેઠળ એલઆઈસીનું કુલ રોકાણ રૂ. 28.4 લાખ કરોડ હતું, જે વાર્ષિક ધોરણે 3.4 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2020ના અંતે એલઆઈસીનો નેટ એનપીએ રેશિયો 0.79 ટકા હતો, જે એક વર્ષ અગાઉ સમાન સમયમાં 0.27 ટકા હતો.

જોકે, એનપીએ મુદ્દે એલઆઈસીનો બચાવ કરતાં તેના ચેરમેન એમઆર કુમારે જણાવ્યું હતું કે, એલઆઈસીની એનપીએની બેન્કિંગ સેક્ટર સાથે સરખામણી કરી શકાય નહીં. બેન્કો પર એનપીએનું દબાણ વીમા કંપની કરતાં અલગ પ્રકારનું હોય છે.

એલઆઈસીનું મોટાભાગનું રોકાણ સરકારી સિક્યોરિટીઝ, ઈક્વિટીમાં હોય છે. કોર્પોરેટ ડેટમાં તેનું રોકાણ ઘણું ઓછું હોય છે. એલઆઈસી મોટાભાગે પ્રત્યેક ક્વાર્ટર પછી તેના ડાઉનગ્રેડ થયેલ ારોકાણોની યાદી જાહેર કરે છે, પરંતુ વીમા કંપનીએ 30મી માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષમાં ડાઉનગ્રેડ થયેલા રોકાણો અંગે કોઈ માહિતી જાહેર કરી નથી.