પાક. વિદેશ મંત્રીએ સ્વીકાર્યું, JKમાં કલમ 370 નાબૂદી ભારતનો આંતરિક મુદ્દો

0
5

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદી અંગે ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન કુરૈશીએ કલમ 370ને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી પાકિસ્તાન કલમ 370 નાબૂદીનો વિરોધ કરતું હતું પરંતુ કલમ 370 નાબૂદીના 21 મહિના બાદ મહમૂદ કુરૈશીએ સાર્વજનિક રીતે તેને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો છે.

કેન્દ્ર સરકારે 5 ઓગષ્ટ, 2019ના રોજ જમ્મુ કાશ્મીરને વિશેષાધિકાર આપતી કલમ 370 નાબૂદ કરી હતી. સાથે જ જમ્મુ કાશ્મરીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વહેંચી દીધું હતું અને બંનેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધા હતા. જો કે, જમ્મુ કાશ્મીરને વિધાનસભાવાળું કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું છે જ્યારે લદ્દાખમાં વિધાનસભા નથી.

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદીનો પાકિસ્તાન દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મંચ પર પણ આના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો. જો કે, હવે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કલમ 370 નાબૂદીને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો છે.

ઈન્ટરવ્યુમાં મહમૂદ કુરૈશીએ કહ્યું હતું કે, ‘370 નાબૂદી ભારતનો આંતરિક મુદ્દો છે. ત્યાંની સુપ્રીમ કોર્ટ આ મુદ્દે સુનાવણી પણ કરી રહી છે. તેને પડકારવામાં આવ્યો છે. કાશ્મીરમાં જે પણ પગલા ભરવામાં આવ્યા છે તેની આકરી પ્રતિક્રિયા થઈ છે. ભલે તે 370 સ્વરૂપે હોય કે 35Aના. એક બહુ મોટો સમૂહ એવું માને છે કે, આ પગલાઓથી હિંદુસ્તાને ગુમાવ્યું વધારે છે અને મેળવ્યું ઓછું છે.’

તેમના કહેવા પ્રમાણે તેઓ 370ને વધારે મહત્વ નથી આપતા પરંતુ તેમને 35Aથી મુશ્કેલી છે. કારણ કે, તેનાથી કાશ્મીરની ભૂગોળ અને વસ્તીનું સંતુલન બદલવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

કુરૈશીએ જણાવ્યું કે, બંને દેશો વચ્ચે વાતચીત સિવાય કોઈ રસ્તો નથી. બંને પરમાણુ શક્તિથી સંપન્ન દેશો છે. તેમના પોતાના મુદ્દાઓ છે. જેને આજે, કાલે કે પરમદિવસે ઉકેલવા પડશે. તેમને ઉકેલવાનો રસ્તો શું છે? યુદ્ધ એ ઓપ્શન નથી. યુદ્ધ તો આત્મહત્યા બની શકે છે. અને જો યુદ્ધ ઓપ્શન ન હોય તો વાતચીત એ ઓપ્શન છે. જો વાતચીત ઓપ્શન છે તો બેસીને મુદ્દાઓ ઉકેલી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here