પાકને નુકસાન ઓછું પણ રોગ-જીવાત પડશે, ભરશિયાળે ચોમાસુ : ઉત્તર ગુજરાતના 3 જિલ્લાના 14 તાલુકામાં 1 મીમીથી 8 મીમી સુધી કમોસમી વરસાદ પડ્યો

0
0

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે દક્ષિણ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં દરિયાઇ સપાટીથી 900 મીટર ઊંચે સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે ગુરુવાર સાંજથી ઉ.ગુ.સહિત રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભરશિયાળે ચોમાસા જેવા માહોલ વચ્ચે મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 14 તાલુકામાં 1 મીમીથી 8 મીમી સુધીનો કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે પાટણ અને બનાસકાંઠામાં ઝરમર વરસ્યો હતો.

માવઠા સાથે પ્રતિ કલાકે સરેરાશ 10 કિમી ઝડપે ફૂંકાયેલા પવનથી વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. ઉત્તર ગુજરાતની અત્યાર સુધીની શિયાળુ સિઝનમાં શનિવાર સૌથી ઠંડો દિવસ સાબિત થયો છે. માવઠાના કારણે વાતાવરણ ઠંડુ બન્યું હતું. તો શિયાળુ પાકોની નુકસાની વચ્ચે અન્નદાતાનો જીવ તાળવે ચોંટી ગયો છે.

મેઘરજ યાર્ડમાં ખુલ્લામાં રહેલી મગફળીનો પાક પલળી જતાં તેને સુરક્ષિત કરવા વેપારીઓ અને ખેડૂતોમાં દોડધામ મચી ગઇ હતી. મેઘરજમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોને વરસાદી વાતાવરણના કારણે કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી હતી.જેના કારણે ટ્રેક્ટરોની લાઇનો લાગી હતી.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સાબરકાંઠા જિલ્લામાં ગુરૂવારે રાત્રે વાતાવરણમાં પલટો આવ્યા બાદ છાંટા પડ્યા હતા અને શુક્રવારે વહેલી સવારથી પવન વીજળી સાથે ઝાપટાં સ્વરૂપે વરસાદ વરસ્યા બાદ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેતા જિલ્લામાં 1 થી 4 મીમી વરસાદ પડ્યો હતો. નવા વર્ષના પ્રથમ ક્લાયમેટ ચેન્જ થી ખેડૂતો ચિંતામાં ગરકાવ થવા સહિત બીમારીનો ઉપદ્રવ વધવાની દહેશત પણ પેદા થઈ છે. જોકે, ખેતીવાડી સૂત્રોના જણાવ્યાનુસાર આટલા વરસાદથી ખેતીને નુકસાન થવાની સંભાવના નહિવત છે. અરવલ્લી જિલ્લામાં ગુરૂવાર રાત્રે અને શુક્રવાર સવારે કમોસમી માવઠુ થતાં જિલ્લામાં 8 મીમી સુધીનો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી હોવા છતાં તંત્રની બેદરકારીના કારણે ભિલોડા, મેઘરજ અને માલપુરના માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલી મગફળી પલળી જતાં નુુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેતા જીરૂ, બટાટા, તમાકુ જેવા વાવેતરમાં મોલો, ચૂસીયા જીવાતનો ઉપદ્રવ વધવાની સંભાવના વધી છે. 24 કલાકમાં ગરમી, ઠંડી અને વરસાદ ત્રણેયનો જિલ્લાજનોએ અનુભવ કર્યો હતો. શુક્રવારે વહેલી સવાર થી મોડી સાંજ સુધી સતત વરસાદી વાતાવરણ રહેતા અરવલ્લીના ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી ન થતાં 200 થી વધુ ખેડૂતો ઘરે પરત ફર્યા હતા. રાયડો, કપાસ, ચણા અને વરિયાળીના પાક પર માઠી અસર પડી છે. તાજેતરમાં જમીન સિંચન કરી ઘઉંની વાવણી કરી હતી તેના પર જોખમ ઊભું થયું છે.

હાલમાં નુકસાનની સંભાવન નહીંવત
સાબરકાંઠા ખેતીવાડી અધિકારી વી.કે. પટેલે જણાવ્યું કે હાલમાં નુકસાનની સંભાવના નહીંવત છે. જીરૂ, બટાટામાં રોગચાળા માટે ટ્રીટમેન્ટ આપવા ખેડૂતોને અવારનવાર જણાવાય છે આવી સ્થિતિમાં શું કરવું તેનાથી ખેડૂતો માહિતગાર છે. વરસાદ વધુ થયો હોત તો ચિંતાનું કારણ બનત.

શિયાળો હવે જામશે : હવામાન વિભાગ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીમાં ઉપરા છાપરી ચક્રવાત સર્જાવાને કારણે ઠંડીનું પ્રમાણ જળવાયું ન હતું. પરંતુ હવે સાનુકૂળ સ્થિતિ સર્જાઈ છે ઉત્તર પૂર્વી પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા શરૂ થઇ ગઇ છે અને આગામી બે થી ત્રણ દિવસમાં ઠંડીનું પ્રમાણ વધવા માંડશે અને ડિસેમ્બર માસ તેનો અસલી રંગ બતાવશે તેવું હવામાન સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

માવઠું : 3 જિલ્લાના 14 તાલુકામાં વરસાદ પડ્યો

મહેસાણા : વિસનગરમાં 5 મીમી, ઊંઝામાં 4 મીમી, વડનગરમાં 2 મીમી

સાબરકાંઠા : પ્રાંતિજમાં 4 મીમી, ખેડબ્રહ્મામાં 3 મીમી, હિંમતનગરમાં 1 મીમી, ઇડરમાં 1 મીમી, વિજયનગરમાં 1 મીમી

અરવલ્લી : ધનસુરા 8 મીમી, મોડાસામાં 6 મીમી, મેઘરજમાં 6 મીમી, બાયડમાં 5 મીમી, માલપુરમાં 5 મીમી, ભિલોડામાં 3 મીમી

ગરમી 7 ડિગ્રી ઘટતાં 24 કલાક ઠંડાગાર રહ્યા
ઉત્તર ગુજરાતમાં 24 કલાક પહેલાં 33 ડિગ્રી પાર રહેલું તાપમાન શુક્રવારે 7 ડિગ્રી સુધી ઘટીને 25.8 થી 26.5 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. બીજીબાજુ મુખ્ય 5 શહેરોમાં દિવસનું સૌથી નીચું તાપમાન 25.8 ડિગ્રી અને રાતનું તાપમાન 18.7 ડિગ્રી રહ્યું હતું. દિવસ અને રાતના તાપમાનમાં માત્ર 7.1 ડિગ્રીના અંતર વચ્ચે આખો દિવસ સુસવાટા મારતી ઠંડી અનુભવાઇ હતી.

આજે આકાશ વાદળછાયું રહેશે, ઠંડી વધશે
હવામાન વિભાગ મુજબ, શનિવારે પણ ઉત્તર ગુજરાતનું મોટાભાગનું આકાશ વાદળછાયું રહેશે. પરંતુ આ દરમિયાન માવઠાની શક્યતા નહીંવત છે. રવિવારથી વાતાવરણ સામાન્ય બનતાં ઠંડીનું પ્રમાણ વધશે. સાથે દિવસનું તાપમાન ઉંચકાતાં સામાન્ય ગરમી અનુભવાશે.

રેકોર્ડ : 11 વર્ષમાં ડિસેમ્બરમાં ચોથીવાર માવઠું
ઉત્તર ગુજરાતમાં વર્ષ 2010થી 2020 સુધીના છેલ્લા 11 વર્ષના ડિસેમ્બર મહિનામાં ચોથી વખત માવઠું થયું છે. આ અગાઉ 2010માં ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં, 2017માં પ્રથમ સપ્તાહમાં અને 2019માં બીજા સપ્તાહમાં માવઠું થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here