મોડાસા : બાઇકને સાઇડ આપવા બોલાચાલી થતાં ટોળાંએ લકઝરીના મુસાફરોને માર્યા

0
25

મોડાસા: શામળાજી-ઉદેપુર નેશનલ હાઇવે પર મોડાસા તાલુકાના દાવલી-વાંટડાં ટોલટેક્ષ ઉપર પલ્સર ચાલક અને લકઝરીના ચાલક વચ્ચે સાઇડ આપવા બાબતે માથાકૂટ થઇ હતી. દરમિયાન પલ્સર ચાલકે મોબાઇલ ઉપર જાણ કરતાં 15 જેટલાં લોકો મોડી સાંજે હથિયારો લઇને ધસી આવ્યા હતા અને લકઝરી બસના પ્રવાસીઓ અને ડ્રાઇવર-કંડક્ટર ઉપર તૂટી પડ્યા હતા. હુમલામાં મહિલા સહિત સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં બે પ્રવાસીઓને ગંભીર ઇજાઓ થતાં તેમને ગાંધીનગર ખસેડાયા હતા. આ અંગે લકઝરીના માલિકે મોડાસાના રૂરલ પોલીસ મથકે ફરિયાદ કરતાં પોલીસે ચાર વ્યક્તિઓ સામે નામજોગ અને અન્ય સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અમદાવાદ, ગાંધીનગર, રાંધેજા અને રૂપાલના પ્રવાસીઓ હરિદ્વાર, ગોકુળ-મથુરા અને શ્રીનાથજીના દર્શન કરીને શામળાજી પરત ફર્યા હતા.પ્રવાસીઓ શામળિયાના દર્શન કરી રવિવારે મોડી સાંજે લકઝરી નં.જીજે-01 સી ઝેડ-479માં પરત ફરતી વખતે લકઝરી શામળાજીથી ગાંધીનગર તરફ જતાં રસ્તામાં સુનોખથી દાવલી ટોલ ટેક્ષરોડ પર જતી હતી ત્યારે પલ્સર ચાલકને સાઇડ ન આપતાં પલ્સર ચાલકે દાવલી-વાંટડા ટોલટેક્ષ ઉપર ઉભી રખાવી લકઝરીના ડ્રાઇવર-કંડક્ટર સાથે બોલાચાલી કરી લકઝરીના માલિક હિતેશભાઇ પટેલ અને ડ્રાઇવર જશવંતસિંહ ચૌહાણ અને કંડક્ટરને ગડદાપાટુનો માર મારી અન્ય માણસોને ફોન કરી બોલાવતાં 10 થી 15 લોકો હથિયારો સાથે લાકડીઓ અને દંડા લઇને પ્રવાસીઓ ઉપર હુમલો કરી લકઝરી પર પથ્થરમારો કરી પ્રવાસીઓને ઇજાઓ કરી ભાગી છૂટ્યા હતા.

લકઝરીમાં રહેલા સાત પ્રવાસીઓને વધુ ઇજાઓ થાતં મોડી રાત્રે તેમને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. લકઝરીના માલિક હિરેનભાઇ શૈલેષભાઇ પટેલ રહે.ઇન્દ્રવિહાર સોસાયટી નિકોલ, અમદાવાદનાએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં રત્નાભાઇ, દીતાભાઇ, સુકાભાઇ,મુકેશભાઇ અને નારણભાઇ અને અન્ય સાત લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. પલ્સર ચાલક દિતાભાઇ માનાભાઇ નિનામા રહે.ખારી,તા.ભિલોડા તથા રત્નાભાઇ ઇશ્વરભાઇ ભગોરા રહે.વાંટડા, તા.મોડાસાએ શામળાજીએ લકઝરી ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

હુમલામાં ઇજાગ્રસ્ત પ્રવાસીઓ
જશવંતસિંહ દુર્જનસિંહ ચોહાણ (લકઝરી ડ્રાઇવર), સુરેશભાઇ લલ્લુભાઇ પ્રજાપતિ (રસોઇયા), હિતેશભાઇ પટેલ, નિકોલ અમદાવાદ (લકઝરી માલિક), ટીનાભાઇ ઠાકોર, રહે. રાંધેજા, પોપટજી દરબાર, રાંધેજા