હાલ 50 હજાર લોકોની જાસૂસી : નહીં રોકીએ તો 5 કરોડ શિકાર બનશે

0
2

ઇઝરાયલી કંપની એનએસઓના ‘પેગાસસ’ સ્પાયવેર દ્વારા પત્રકારો, નેતાઓ, જજ, વકીલો, ઉદ્યોગપતિઓ તથા સામાજિક કાર્યકરોની જાસૂસીનો મામલો ચર્ચામાં છે. આ મામલે અમેરિકાની કેન્દ્રીય ગુપ્તચર એજન્સી સીઆઇએના પૂર્વ કમ્પ્યૂટર એક્સપર્ટ એડવર્ડ સ્નોડેને પોતાનો અભિપ્રાય આપ્યો છે. સ્નોડેને 2013માં અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના ગુપ્તચર દેખરેખ કાર્યક્રમનો પર્દાફાશ કર્યો હતો.

‘ધ ગાર્ડિયન’ને આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે આ ટેક્નિકથી હાલ 50 હજાર લોકોની જ જાસૂસી થઇ રહી છે તેવા ભ્રમમાં ન રહેવું. ભવિષ્યમાં 5 કરોડ લોકોની પણ જાસૂસી થઇ શકે છે. આ બધું તત્કાળ રોકવું જરૂરી છે. ભવિષ્યમાં જાસૂસીની આ ઝડપ અંદાજથી ઘણી વધારે હશે. આજે સ્ટેટ સ્પોન્સર્ડ હેકર્સથી કોઇના પણ મોબાઇલ ફોન સુરક્ષિત નથી. સ્નોડેનના મતે સરકારોમાં આં.રા. સ્પાયવેર બિઝનેસ પર વૈશ્વિક રોક લાગવી જોઇએ. પરમાણુ શસ્ત્રોની જેમ સ્પાયવેર બિઝનેસનું માર્કેટ બનાવવાને પણ મંજૂરી ન મળવી જોઇએ.

સ્નોડેને ઉમેર્યું કે કોમર્શિયલ માલવેરે સરકારો માટે મોટા પાયે જાસૂસી શક્ય બનાવી છે. પેગાસસ પ્રોજેક્ટના અભ્યાસથી આ વાત ઉજાગર થાય છે. પ્રોજેક્ટ અંતર્ગત વધુમાં વધુ લોકો પર આક્રમક ઢબે નજર રખાઇ. તેમાં પોલીસે પરંપરાગત રીતે કોઇનો ફોન રેકોર્ડ ન કરવો પડ્યો કે એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ કોઇના ઘરે છાપો ન મારવો પડ્યો. સ્નોડેનનું માનવું છે કે કોમર્શિયલ સ્પાયવેર દ્વારા દેખરેખમાં ખર્ચ અને જોખમ ઓછા હતા. દૂરથી જ જાસૂસી શક્ય બની શકી. તેથી આ રીતની જાસૂસી ટેક્નિકનું વેચાણ રોકવું ખૂબ જરૂરી છે. નહીં રોકાય તો તેના કાયમી ધોરણે ઉપયોગનું જોખમ રહેશે. સામાન્ય બાબતોમાં પણ તેનો ઉપયોગ થઇ શકે છે.

એકસરખા મોબાઇલ અને સોફ્ટવેરે જાસૂસી સરળ બનાવી દીધી
​​​​​​​સ્નોડેનને પૂછાયું કે સામાન્ય લોકો પોતાને હેકર્સથી કેવી રીતે બચાવી શકે તેમ છે? તેણે કહ્યું કે મોટા ભાગના લોકોના મોબાઇલ ફોન એકસરખા હતા. તેથી પેગાસસના માધ્યમથી મોટા પાયે જાસૂસી સરળ બની ગઇ. વિશ્વભરના આઇફોનમાં એક જ પ્રકારના સોફ્ટવેર હોય છે. તેથી જો હેકર એક આઇફોન હેક કરવાની પદ્ધતિ શોધી લે તો બીજો હાઇફોન હેક કરવાની પદ્ધતિ શોધવી પણ તેના માટે સરળ છે. આ ‘સંક્રમણ ઉદ્યોગ’નું પરિણામ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here