ક્રાઇમ : મહેસાણાના ઓબ્ઝર્વેશન હોમમાં કિશોર આરોપીનું કસ્ટોડિયલ મોત

0
13

મહેસાણા: મહેસાણા બાળ રિમાન્ડ હોમમાં આરોપીનું બુધવારે રાત્રે કસ્ટોડિયલ મોત થતાં ખળભળાટ મચી ગયો છે.10 દિવસ અગાઉ ભાગેલા કિશોર આરોપીનું અમદાવાદની નરોડા પોલીસ બુધવારે રાત્રે મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમા મુકી ગયાના 5 કલાક બાદ શંકાસ્પદ મોતને લઈ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટને ન્યાયીક તપાસ સોપાઇ છે. મૃતક કિશોરના થાંપાથી ઢીંચણ સુધીના ભાગમા થયેલી ગંભીર ઇજાના નિશાન અને તેમાંથી ફૂટેલા લોહીની ટસો ,નીકળેલી ચામડી જોતાં જ્યુડિશીયલ કસ્ટોડિયલ મોતના આ કેસમાં પોલીસે ફોરેન્સીક એક્ષપર્ટ તબીબોની પેનલ ટીમથી વીડિયોગ્રાફી સાથે પીએમ કરાવવા લાશ અમદાવાદ મોકલી આપી હતી.જ્યારે મૃતકના માતા,પિતાએ પુત્રની હત્યાનો આક્ષેપ કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી. શહેર બી ડિવિજન પોલીસે પ્રાથમિક ધોરણે અકસ્માતે મોત અંગેની જાણવા જોગ નોંધી છે.

નરોડા પોલીસ સ્ટેશનના એએસઆઇ મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમા મુકી ગયા હતા

મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાંથી ગત 3 ફેબ્રુઆરીએ ભાગેલા 9 કિશોર આરોપીઓ પૈકીનો એક કિશોર બુધવારે રાત્રે 10.30 વાગ્યે નરોડા પોલીસ સ્ટેશનના એએસઆઇ કેશાભાઇ ભુરાભાઇ લેખિત રિપોર્ટ સાથે મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમા મુકી ગયા હતા.ઓબ્ઝર્વેશન હોમના ગૃહપિતા વિષ્ણુભાઇ પ્રજાપતિનુ કહેવુ છે કે, કિશોરને ભોંયતળીયે આવેલ ડોરમેન્ટ્રી રૂમ-1મા 8 બાળકો સાથે રખાયો હતો અને મોડીરાત્રે 3 વાગ્યા બાદ બાળકોની બુમો સાંભળી રૂમની બારીમાંથી જોયુ તો કિશોરને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.અધિક્ષક અમિત લિમ્બાચીયાને જાણ કરી 108માં તેને સિવિલમાં લઇ જવાયો ત્યારે હાજર તબીબે 3.50 વાગ્યે મૃત જાહેર કર્યો હતો.ગુરૂવારે સવારે ઘટનાની જાણ થતાં જ સિવિલમાં દોડી ગયેલા દંપતીએ મૃત પુત્રના પીઠના ભાગે થાંપા અને ઢીચણ વચ્ચેની ગંભીર ઇજા જોતાં પુત્રની હત્યાનો આક્ષેપ કરી હંગામો કર્યો હતો. આ લાશને પીએમ માટે અમદાવાદ મોકલી અપાઈ હતી.