વિરાટ કોહલીની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયા પહેલા જ વર્લ્ડ કપના સેમીફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે. જોકે લીગના અંતિમ મેચમાં આજે ટીમ ઈન્ડિયાનો મુકાબલો શ્રીલંકા સામે છે. તેથી કેપ્ટન કોહલી પાસે આ એક સારી તક છે કે તે ટુર્નામેન્ટ દરમિયાન બેંચ પર બેઠેલા અન્ય ખેલાડીઓને અજમાવી શકે. જો બેટ્સમેન મયંક અગ્રવાલને આ મેચમાં તક આપવામાં આવે તો તેની પાસે 32 વર્ષ જૂના નવજોત સિંહ સિદ્ધૂના રેકોર્ડને તોડવાનો શાનદાર મોકો હશે.
રિપોર્ટ મુજબ વર્લ્ડ કપ સેમીફાઇનલ પહેલા જો કોહલી આજે શ્રીલંકાની સામે મયંકને તક આપે તો તે વર્લ્ડ કપમાં વનડે કરિયરની શરૂઆત કરનારો ભારતનો 7મો ખેલાડી બનશે. સાથે 27 વર્ષ બાદ કોઈ ભારતીય ક્રિકેટર વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરશે. જોકે અત્યાર સુધી 6 ભારતીય ખેલાડીઓએ વર્લ્ડ કપમાં વન ડે કરિયરની શરૂઆત કરી છે. આપને જાણાવી દઈએ કે આ પહેલા 1987-88ના વર્લ્ડ કપમાં બેટ્સમેન નવજોત સિંહ સિદ્ધૂને વન ડે કરિયરની શરૂઆત કરવાની તક મળી હતી. સિદ્ધૂએ પહેલી જ વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 79 બોલમાં 73 રન બનાવ્યા હતા. જોકે આ મેચમાં ભારતનો 1 વિકેટથી પરાજય થયો હતો. સિદ્ધૂ બાદ અજય જાડેજાએ વર્લ્ડ કપમાં વન ડે કરિયરની શરૂઆત કરી હતી.