કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા વેઈટલિફ્ટર અચિંતા શિયુલી રાત્રે NIS પટિયાલા ખાતે મહિલા હોસ્ટેલમાં પ્રવેશતા ઝડપાયો હતો, જેના પગલે તેને પેરિસ ઓલિમ્પિકની તૈયારી માટે આયોજિત શિબિરમાંથી બહાર કરવામાં આવ્યો છે. આ ઘટના ગુરુવારે રાત્રે બની હતી. પુરુષોના 73 કિગ્રા કેટેગરીમાં ભાગ લેનાર 22 વર્ષીય અચિંતાને સુરક્ષા કર્મચારીઓએ પકડી લીધો હતો અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો.
ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના એક અધિકારીએ કહ્યું, “આવી અનુશાસનહીનતાને સહન કરવામાં આવશે નહીં. અચિંતાને તરત જ કેમ્પ છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું.” સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) અને NIS પટિયાલાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિનીત કુમારને તાત્કાલિક આ બાબતે જાણ કરવામાં આવી હતી. વીડિયો પુરાવાની હાજરીને કારણે, SAIએ તપાસ પેનલની રચના કરી ન હતી.
SAIના એક સૂત્રે કહ્યું, “વીડિયો NIS પટિયાલાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિનીત કુમાર અને દિલ્હીમાં SAI હેડક્વાર્ટરને મોકલવામાં આવ્યો છે. વેઈટલિફ્ટિંગ ફેડરેશનને અચિંતને કેમ્પમાંથી હટાવવા માટે કહેવામાં આવ્યું છે.” અચિંતાએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં નવા રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. પટિયાલામાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ હોસ્ટેલ છે. હાલમાં મહિલા બોક્સર, રમતવીર અને કુસ્તીબાજ NIS પટિયાલામાં છે.
વેઈટલિફ્ટિંગ ફેડરેશને અગાઉ કોમનવેલ્થ અને યુથ ઓલિમ્પિક ચેમ્પિયન જેરેમી લાલરિનુગાને પણ અનુશાસનહીનતાને કારણે રાષ્ટ્રીય શિબિરમાંથી હટાવી દીધા હતા. આ સાથે અચિંતાની ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવાની આશા પણ સમાપ્ત થઈ ગઈ છે. કારણ કે તે આ મહિને થાઈલેન્ડના ફૂકેટમાં IWF વર્લ્ડકપ રમી શકશે નહીં, જે પેરિસ ઓલિમ્પિક ક્વાલિફિકેશન માટે ફરજિયાત હતો.