વોટ્સએપએ લગભગ એકસો જેટલા પત્રકારો અને નાગરિકોને લક્ષ્યાંક બનાવતા સ્પાયવેર હુમલાની ઓળખ કરીને તેને વિફળ બનાવ્યો હતો. હુમલો કથિત રીકે ઈઝરાયેલી કંપની પેરેગોન સોલ્યુશન્સ દ્વારા વિકસાવવામાં આવેલા હેકિંગ સોફ્ટવેરના ઉપયોગથી કરવામાં આવ્યો હતો. વોટ્સએપએ પુષ્ટી કરી કે ૯૦ પ્રભાવિત વપરાશકારોને ઝીરો-ક્લીક શોષણ દ્વારા લક્ષ્યાંક બનાવવામાં આવ્યા હતા અને સંભવિતપણે તેમનું નુકસાન કરાયું હતું. ઝીરો-ક્લીક પદ્ધતિમાં વપરાશકારે સહભાગી થવાની જરૂર નથી પડતી.
પેરેગોનના સ્પાયવેર ગ્રેફાઈટ કુખ્યાત પેગાસસ સ્પાયવર જેવો જ છે જે સંક્રમિત ઉપકરણોની પૂરી પહોંચની જોગવાઈ કરી આપે છે. હુમલા પાછળ રહેલા અસીલની ઓળખ ગોપનીય રાખતા પેરેગોન સ્પાયવેર ખાસ કરીને સરકારી સંસ્થાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. કંપની પાસે ૩૫ સરકારી અસીલો છે જેમાં ભારત, ગ્રીસ અને મેક્સિકો સામેલ નથી. આ દેશો પર અગાઉ સ્પાયવેર દુરુપયોગનો આરોપ લાગ્યો હતો.
હુમલો કથિત રીતે ગુ્રપ ચેટ સભ્યોને મોકલાયેલી સંક્રમિત પીડીએફ ફાઈલો દ્વારા કરવામાં આવ્યો હતો. વોટ્સએપએ પેરેગોનને નોટિસ મોકલી છે અને કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. હુમલો ડિસેમ્બરમાં રોકવામાં આવ્યો હતો અને પ્રભાવિત વપરાશકારોને હવે જાણ કરવામાં આવી રહી છે.
વોટ્સએપએ લક્ષ્યાંક કરવામાં આવેલા પત્રકારો તેમજ નાગરિકોનું સ્થળ જણાવવાનો ઈન્કાર કર્યો હતો. પેરેગોનની અમેરિકામાં ચેન્ટિલી, વર્જિનિયામાં ઓફિસ છે. તાજેતરમાં કંપનીએ અમેરિકી ઈમિગ્રશન અને કસ્ટમ વિભાગ સાથે બે મિલિયન ડોલરના કરાર કર્યા હોવાના અહેવાલ પછી તેની તપાસ કરવામાં આવી હતી. કેલિફોર્નિયા કોર્ટે તાજેતરમાં અન્ય ઈઝરાયેલી સ્પાયવેર કંપની એનએસઓ જૂથ સામે અને વોટ્સએપની તરફેણમાં ચુકાદો આપ્યા પછી આ જાણકારી બહાર પાડવામાં આવી છે. એનએસઓને બાઈડેન પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા ચિંતા માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. ટ્રમ્પ પ્રશાસને અગાઉની સરકારના અનેક આદેશ રદ કર્યા હતા પણ આ આદેશ બહાલ રાખ્યો હતો.
પેરેગોન જેવી વ્યાવસાયિક સ્પાયવેર કંપનીઓ પદ્ધતિસર દુરુપયોગને પ્રોત્સાહન આપતી હોવાની દલીલ સાથે સાયબરસુરક્ષા નિષ્ણાંતોએ વધુ સખત નિયંત્રણોની માગણી કરી છે. સિટિઝન લેબ ટૂંક સમયમાં હુમલા વિશે વિગતવાર અહેવાલ બહાર પાડશે. દરમ્યાન વોટ્સએપએ ગેરકાયદે સરવેલન્સથી વપરાશકારોનું રક્ષણ કરવાની તેની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી છે.