જામનગર: સોમવારે રાજકોટના વેપારી સંજયભાઇ પટેલનું કારમાં પાંચ શખ્સોએ અપહરણ કર્યું હતું. અપહરણ કરી જામનગરની ઠેબા ચોકડીએ પહોંચી ખંડણીખોરોએ સંજયભાઇને નીચે ઉતારી બેસ બોલના ધોકા વડે માર મારી રહ્યા હતા. ત્યારે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. આ સમયે જામનગરના પંચ કોષી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ રીનાબેન ભાટીયા અહીંથી પસાર થઇ રહ્યા હતા અને આ દ્રશ્યો નીહાળી પોતાની ગાડી ઉભી રાખી દીધી હતી અને ખંડણીખોરોને પડકાર્યા હતા. ત્યારે એક ખંડણીખોરે રીનાબેન તરફ બંદુક તાકી હતી અને છરી બતાવી ચાલ્યા જવાનું કહ્યું હતું. પરંતુ રીનાબેન હિંમત હાર્યા વગર પંચ બી ડિવીઝનમાં જાણ કરતા ખંડણીખોરો ત્યાંથી કારમાં ભાગતા પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરી ખંડણીખોરોને પકડી પાડ્યા હતા અને અપહૃત સંજયભાઇને મુક્ત કર્યા હતા.
હથિયારો બતાવ્યા છતાં મહિલા કોન્સ્ટેબલ હિંમત ન હાર્યા
હથિયારો બતાવ્યા છતાં પોલીસ કોન્સ્ટેબલે હિંમત હાર્યા વગર પંચકોષી બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી. જેને લઇને જે.ડી.પરમાર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસને આવતી જોઇ પાંચેય શખ્સોએ યુવાનને પરત કારમાં બેસાડી કારને પૂરપાટ હંકારી મુકી હતી. જેનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 10 કિમીના અંતરે જ થોડી વારમાં કારને આંતરી લીધી હતી અને પાંચેય ખંડણીખોરોને પકડી પાડ્યા હતા. પાંચેય ખંડણીખોરો ભૂજના હોવાનું જાણવા મળ્યું હતું.