ગાંધીનગર : દહેગામમાં 2.75, જિલ્લામાં કુલ 6 ઈંચથી વધુ વરસાદ, ગાંધીનગરમાં ઝાડ પડતાં બે ગાડીને નુકસાન

0
2

ગાંધીનગર. ગાંધીનગર શહેર સહિત જિલ્લામાં અનેક સ્થળે રવિવાર રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. દહેગામ પંથકમાં વહેલી સવારે અચાનક ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઇ હતી. જેમાં દહેગામ શહેરની ખજૂરી તલાવડી, દોગલ તલાવડી, પાલૈયાવાસ વિસ્તાર જેવા અનેક નિચાણવાળા વિસ્તારો તેમજ અસંખ્ય ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા.  જેના કારણે ખેડૂતોના મગફળી જેવા વાવેતરને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

અત્યાર સુધીનો કુલ વરસાદ 477 મી. મી. થયો

શહેરના રેલવેના ગરનાળાઓમાં પણ ચાર ફૂટ જેટલું પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. ગાંધીનગર રોડ પર એક ઝાડ પડવાનો બનાવ બન્યો હતો. દહેગામમાં વહેલી સવારે ચાર વાગ્યે શરૂ થયેલો વરસાદ 6 વાગ્યા સુધીમાં તો 46 મીમી ખાબકી ગયો હતો. ગાંધીનગર શહેરની વાત કરીએ તો રવિવારે વહેલી પરોઢે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના રસ્તાઓ પર થોડા સમય માટે પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ અનેક સ્થળે ભુવા પડવાના બનાવો નોંધાયા હતા. સેક્ટર-4 સી ખાતે એક ઝાડ પડતા ઘર પાસે પડેલી બે ગાડીઓને નુકસાન થયું હતું.  આ તરફ કલોલ અને માણસામાં પણ છુટો છવાયો વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં કુલ 153mm નોંધાયો હતો. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીનો કુલ વરસાદ 477 મી. મી. થયો છે.

જિલ્લાના 4 તાલુકામાં પડેલો વરસાદ

ગાંધીનગર 32 મીમી 74 મીમી
દહેગામ 71 મીમી 215 મીમી
કલોલ 38 મીમી 64 મીમી
માણસા 12 મીમી 124 મીમી