દાહોદ : વનવૈભવની સાથે પ્રવાસીઓને આકર્ષતુ વ્યંજન ‘દાલપાનિયા’

0
27

દાહોદ: ખળખળ વહેતા ઝરણા અને અનન્ય વનસંપદાની કુદરતી ભેટ ધરાવતુ દાહોદ જિલ્લાનું રતનમહાલ પ્રવાસીઓને આકર્ષે જ છે, સાથે હવે દાલપાનિયા રતનમહાલ ફરવા આવતાં સ્વાદપ્રિય પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નળધા કેમ્પ સાઇટ ખાતે ભોજન પ્રબંધ કરતી પરિસરીય પ્રવાસન વિકાસ મંડળી સાથે જોડાયેલા કલ્પેશ ડામોર છેલ્લા ચાર વર્ષથી પાનિયા તૈયાર કરે છે. પાનિયા બનાવવાની વિધિની તે સમજ આપતા કહે છે, પાનિયા બનાવવા માટે દેશી મકાઇના લોટમાં જીરૂ, સ્વાદનુસાર મીઠું અને ખાંડ નાખી તેમાં પાણી અથવા દૂધ નાખી સારી રીતે મસળવામાં આવે છે.

લોટ બંધાઇ જાય તે બાદ તેના ગોળ પિંડા કરી ખાખરા કે આંકડાના પાનમાં પિંડાની બન્ને સાઇડ સારી રીતે ઢંકાઇ જાય એ રીતે બંધ કરી દેવામાં આવે છે. પાનિયા બનાવવા બહુધા ખાખરાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ પાન જંગલમાં પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે.આ પાનમાં ઉક્ત પિંડાને મૂકી છાણાના અંગારાની (ભઠ્ઠા) અંદર શેકવામાં આવે છે. અંગારામાં ધીમે ધીમે શેકાયા બાદ પાન બળી જાય એ પછી થોડી વાર પાનિયાને ખુલ્લુ કરી શેકવામાં આવે છે. પાનિયામાં આછા લાલ કલરની ઝાંય ન આવે ત્યાં સુધી શેકવામાં આવે છે.પાનિયાને અડદની દાળ સાથે ખાવામાં આવે છે. એક વાતનું ચોક્કસ અનુમાન લગાવી શકાય કે, પર્ણમાં બાંધીને બનાવવામાં આવતું હોવાથી આ વ્યંજનનું નામ પાનિયુ પડ્યું હશે. આ પ્રદેશમાં મકાઇ અને અડદની સરળ ઉપલબ્ધતાને કારણે ખાસ પ્રસંગોમાં દાલપાનિયા બનાવે છે.

પાનિયાને કઇ રીતે આરોગાય
પાનિયાને આરોગવાની રીતે રાજસ્થાની દાળબાટી જેવી છે. પાનિયાને ચોળી તેમાં ઘી સાથે અડદની દાળ સાથે ચોળી અથવા તો બટકે ચઢાવીને પણ ખાઇ શકાય છે.

સમયાંતરે દાળ પાનિયા જમવા આવે છે
અહીં આવતા પ્રવાસીઓ પાનિયા ખાવાની જ માંગ કરતા હોય છે. આદિવાસી વ્યંજન જમવાની ઉત્સુક્તા હોય છે. શનિ-રવિ કે રજાના દિવસોમાં ૩૦૦ પાનિયા બનાવીએ છીએ. અહીં પ્રવાસીઓ તો સમયાંતરે પાનિયા જમવા આવતા હોય છે. – શંકરભાઇ પુવાર,પાનિયા બનાવનાર

પાનિયાનો સ્વાદ એક વાર માણવો જોઇએ
પાનિયા આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલું વ્યંજન છે. અમે અમારા મિત્રો સાથે અવારનવાર અહીં આવીએ છીએ અને મોજથી દાલપાનિયા આરોગીએ છીએ. એનો સ્વાદ અમને આકર્ષે છે. આમ, દાહોદના આદિવાસી વ્યંજન પાનિયાથી પ્રવાસીઓને આકર્ષે છે. ખાસ કરીને નવિનત્તમ જમવાના શોખીનોએ પાનિયાનો સ્વાદ એક વખત તો જરૂર માણવો જ જોઇએ. – એચ.આર પટેલ, પ્રવાસી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here