પંજાબી સિંગર દિલજીત દોસાંઝ એક સારા સિંગરની સાથે-સાથે એક સારો એક્ટર પણ છે. તે આ જ વર્ષે રિલીઝ થયેલી ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ચમકીલામાં નજર આવ્યો હતો. આ ફિલ્મમાં દિલજીત સાથે પરિણીતી ચોપરા લીડ રોલમાં જોવા મળી હતી. ફિલ્મમાં દિલજીતની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી . હવે પંજાબના દિગ્ગજ સિંગર દલેર મહેંદીએ ફિલ્મ ચમકીલામાં દિલજીતના પરફોર્મન્સને લઈને વાત કરી છે. તેણે કહ્યું કે મને સમજાતું નથી કે દિલજીતે ફિલ્મ માટે વાળ કેમ કપાવ્યા.
એક ઈન્ટરવ્યુમાં દલેર મહેંદીએ ફિલ્મમાં અમર સિંહ ચમકીલાનો દોર અને દિલજીતની એક્ટિંગ અંગે વાત કરી. ફિલ્મમાં દિલજિત એક્ટિંગ અંગે વાત કરતા દલેર મહેંદીએ એ એ વાત પર નારાજગી વ્યક્ત કરી કે તેણે પોતાના વાળ કેમ કપાવી નાખ્યા.
દલેર મહેંદીએ કહ્યું કે, ‘તેણે ફિલ્મમાં એક્ટિંગ કરી. પરંતુ મને એ ન સમજાયું કે, તે કહેતો હતો કે હું પાઘડી નથી ઉતારતો, હું સરદાર છું, હું હંમેશા આવો જ રહીશ. તો મને એ નથી સમજાતું કે, ચમકીલા ફિલ્મ માટે તેણે પાઘડી કેવી રીતે ઉતારી દીધી અથવા વાળ કેવી રીતે કપાવી નાખ્યા?’ જ્યારે દલેરને પૂછવામાં આવ્યું કે, તમને શું લાગે છે કે દલજીતે ફિલ્મ માટે આવું ન કરવું જોઈએ? આના પર દલેરે તરત જ કહ્યું કે ‘ના, તેણે રોલ માટે આવું ન કરવું જોઈતું હતું.’