કોરોના દેશમાં : UPના મેરઠમાં કોરોનાના નવા સ્ટ્રેનનો ખતરો : લંડનથી આવેલ એક જ પરિવારના 3 લોકો પોઝિટિવ.

0
0

ઉત્તરપ્રદેશના મેરઠમાં લંડનથી આવેલા 3 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ ત્રણેય લોકોમાં કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન હોવાનો ખતરો તોળાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ ત્રણેય લોકો 14 ડિસેમ્બરે લંડનથી ભારત પરત આવ્યા હતા અને તેઓ એક જ પરિવારના સભ્યો છે. આરોગ્ય વિભાગને આશંકા છે કે આ સ્ટ્રેન-2નું સંક્રમણ પણ હોઇ શકે છે. સરકારે ત્રણેય દર્દીઓમાં સ્ટ્રેન-2ની તપાસ માટે સેમ્પલ દિલ્હી મોકલવા જણાવ્યું છે. આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમિત પરિવારને આઇસોલેટ કરીને નજર હેઠળ રાખવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેનને લઈને હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગરામાં પણ યૂકેથી પરત આવેલ એક વ્યક્તિનો રિપોર્ટ શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે.

32માંથી 15 લોકોનો રિપોર્ટ આવ્યો

કેન્દ્ર સરકારે 9 ડિસેમ્બર બાદ યુરોપથી મેરઠ આવેલા 44 મુસાફરોની યાદી જણાવી હતી. જેમાથી 12 લોકો અહીંયાથી દેશની અન્ય જગ્યાએ જઈ ચૂક્યા છે. 32માંથી 15 લોકોનો ટેસ્ટિંગ રિપોર્ટ શુક્રવારે રાત્રે મળ્યો છે. જેમાં લંડનથી આવનાર એક જ પરિવારના ત્રણ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યો છે.

દેશમાં કોરોનાના એક્ટિવ કેસોમાં (સારવાર હેઠળ) સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 22 હજાર દર્દીએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લા 161 દિવસમાં આ આંકડો સૌથી ઓછો છે. આ પહેલાં 17 જુલાઇના રોજ 17 હજાર 486 લોકો કોરોનાથી સાજા થયા હતા, જ્યારે 21 સપ્ટેમ્બરના રોજ સૌથી વધુ એક લાખથી વધુ લોકો સાજા થયા હતા.

સારી વાત એ છે કે અરુણાચલ પ્રદેશમાં છેલ્લા 2 દિવસથી કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો નથી. અહીં 23 ડિસેમ્બરે કોરોનાના 12 કેસ નોંધાયા હતા. 48 કલાકમાં અહીં 53 લોકો સાજા થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 16 હજાર 678 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાં 168 લોકો સારવાર હેઠળ છે અને 16 હજાર 454 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 56 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

24 કલાકમાં 22 હજાર પોઝિટિવ કેસ સામે આવ્યા

દેશમાં છેલ્લા 24 કલાકમાં 22 હજાર 350 નવા કેસ નોંધાયા છે. 22 હજાર 184 દર્દી સાજા થયા છે અને 251 લોકો મોતને ભેટ્યા છે. આમ, એક્ટિવ કેસ (સારવાર હેઠળના દર્દીઓ)માં ફ્ક્ત 99નો ઘટાડો થયો. એક્ટિવ કેસનો આંક 26 નવેમ્બર બાદ સૌથી ઓછો છે. દેશમાં અત્યારસુધીમાં કુલ 1.01 કરોસ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં 97.39 લાખ દર્દીઓ સજા થઈ ચૂક્યા છે. 1.47 લાખ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 2.80 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે.

ધારાવીમાં પ્રથમ વખત સંક્રમણનો એકપણ કેસ નોંધાયો નથી

મૂંબઈમાં આવેલી અને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધરાવીમાં શુક્રવારે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. અહીં પ્રથમ કેસ 1 એપ્રિલના રોજ નોંધાયો હતો. ત્યારથી આવું પ્રથમ વખત બન્યું છે. અહીં કોરોના સામેની લડાઈમાં તંત્ર દ્વારા લેવાયેલાં પગલાંની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ પણ પ્રશંસા કરી હતી.

ઉર્દૂના પ્રખ્યાત કવિ શમ્સુર રહેમાન ફારુકીનું નિધન

શુક્રવારે અલ્હાબાદમાં ઉર્દૂના પ્રખ્યાત કવિ શમ્સુર રહેમાન ફારુકીનું નિધન થયું છે. 85 વર્ષીય ફારુકી એક મહિના પહેલાં જ કોરોનાથી સ્વસ્થ થયા હતા. પદ્મશ્રીથી સન્માનિત ફારુકીને 23 નવેમ્બરના રોજ દિલ્હીની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કોરોના સંક્રમણ લાગ્યા બાદ તેમને અહીં દાખલ કરવામાં આવ્યા હતા.

કોરોનાં અપડેટ્સ

  • આ વર્ષે કેરળના સબરીમાલા મંદિરમાં કોરોના મહામારીમાં લોકડાઉન થવાને કારણે માત્ર 9.09 કરોડ રૂપિયાનો ચઢાવો આવ્યો છે. છેલ્લા 39 દિવસમાં અહીં ફક્ત 71 હજાર 706 જ ભક્તોએ દર્શન કર્યા છે. ગયા વર્ષે 156.60 કરોડ રૂપિયાનો ચઢાવો આવ્યો હતો.
  • હાલમાં જ બ્રિટનથી પરત આવેલું એક બાળક ઓડિશાના ભુવનેશ્વરમાં કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેના સ્વેબનો નમૂના પુણેની વાઇરોલોજી ઇન્સ્ટિટ્યૂટને મોકલવામાં આવ્યા છે, જેથી એ જાણી શકાય કે તેને બ્રિટનમાં મળેલા કોરોનાના બે નવા સ્ટ્રેનથી સંક્રમણ તો લાગ્યું નથી. ભુવનેશ્વર મહાનગરપાલિકાએ આ માહિતી આપી છે.
  • ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું છે કે બ્રિટનથી ગોવા આવતા લોકોને નેગેટિવ રિપોર્ટ મળ્યા પછી પણ કેટલાક દિવસો માટે આઇસોલેશનમાં રાખવામાં આવશે.

5 રાજ્યની પરિસ્થિતિ

દિલ્હી

શુક્રવારે અહીં 758 નવા દર્દી નોંધાયા હતા. 1370 લોકો સાજા થયા અને 30 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યારસુધીમાં 6.21 લાખ કેસ નોંધાયા છે. એમાંથી 6.03 લાખ દર્દી સાજા થયા છે, 10 હજાર 414 મૃત્યુ પામ્યા છે, જ્યારે 7267 સારવાર હેઠળ છે.

મધ્યપ્રદેશ

અહીં શુક્રવારે 1031 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 1234 દર્દી સાજા થયા હતા અને 12 લોકોનાં મૃત્યુ થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 2.36 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. આમાંથી 2.22 લાખ લોકો સજા થઈ ચૂક્યા છે, 3536 મૃત્યુ પામ્યા છે અને 10 હજાર 461 સારવાર હેઠળ છે.

ગુજરાત

શુક્રવારે અહીં 910 કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 1114 સાજા થયા અને 6 લોકોનાં મોત નીપજ્યાં. અત્યારસુધીમાં કુલ 2.40 લાખ કેસ નોંધાયા છે. એમાંથી 2.25 લાખ દર્દીઓ સાજા થયા છે, 4268 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 10 હજાર 531 લોકો સારવાર લઈ રહ્યા છે.

રાજસ્થાન

શુક્રવારે અહીં 1023 નવા કેસ સામે આવ્યા હતા. 987 દર્દી સાજા થયા અને સાત લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 3.03 લાખ કેસ નોંધાયા છે, જેમાંથી 2.89 લાખ દર્દી સાજા થયા છે, 2657 દર્દી મોતને ભેટ્યા છે, જ્યારે 11 હજાર 700 સારવાર હેઠળ છે.

મહારાષ્ટ્ર

શુક્રવારે અહીં 3431 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. 1427 દર્દી સ્વસ્થ થયા અને 71 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યારસુધીમાં 19.13 લાખ કેસ નોંધાયા છે. એમાંથી 18.06 લાખ દર્દી સાજા થયા છે, જ્યારે 49 હજાર 129 સંક્રમિત લોકોનાં મોત નીપજ્યાં છે. હવે 56 હજાર 823 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here