અંબાજી : મંદિરના દર્શનના સમયમાં વધારો : હવે રાતના 11 વાગ્યા સુધી દર્શન થઈ શકશે.

0
11

હાલ આદ્ય શક્તિ મા અંબેના નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. અંબાજી મુકામે વિશાળ સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે ત્યારે યાત્રિકોની ધાર્મિક ભાવના લક્ષમાં લઇ બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ આનંદ પટેલની સુચના મુજબ દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ દર્શનાર્થીઓ માટે મંદિર રાતના 11 કલાક સુધી ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે માતાજીની સવારની આરતી 7.00 વાગ્યા થી 7.30 અને સાંજની આરતી 6.30 થી વાગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ www.ambajitemple.in, ફેસબુક, ટ્વીટર, યુ-ટ્યુબ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે.

નવરાત્રિ દરમ્યાન અંબાજી મંદિરમાં માતાજીની સાથે જવારાની પણ આરતી કરવામાં આવે છે
(નવરાત્રિ દરમ્યાન અંબાજી મંદિરમાં માતાજીની સાથે જવારાની પણ આરતી કરવામાં આવે છે)

 

બીજા નોરતે માઇ ભક્તોનું ઘોડાપુર જોવા મળતા દર્શનનો સમય વધાર્યો

છેલ્લા બે દિવસથી યાત્રાધામ અંબાજી શ્રદ્ધાળુઓથી ઉભરાઈ રહ્યું છે. જો કે પાવાગઢ અને માતાના મઢમાં દર્શન બંધ હોવાથી અંબાજીમાં યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે એટલે કે બીજા નોરતે માઇ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. જેને લઇ વહીવટી તંત્ર પણ દ્વિધામાં મુકાયું હતું. ત્યારે નોરતા દરમ્યાન વધતી યાત્રિકોની સંખ્યાને ધ્યાને લઇ માઈ ભક્તો દર્શનથી વંચિત ન રહી જાય તે માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરી રાતના 11 કલાક સુધી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દર્શનનો સમય

દર્શન સમય
સવારે 7.30થી 11.45
બપોરે 12.15થી 4.15
સાંજે 7.00 થી 11.00

 

બે દિવસમાં પંચાવન હજારથી વધુ યાત્રિકોએ મા અંબાના રૂબરૂ દર્શન કર્યા

છેલ્લા બે દિવસમાં દશ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ ઓનલાઈન માતાજીની આરતીના દર્શન કરવા સાથે બે દિવસમાં પંચાવન હજારથી વધુ યાત્રિકોએ મા અંબાના રૂબરૂ દર્શન કર્યા છે. એ સાથે બે દિવસમાં મંદિરમાં અંદાજે 60 હજાર પેકેટ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું છે. જોકે આગામી સાતમ અને અષ્ઠમી શનિ, રવિની રજાના સમન્વયને લઇ શ્રદ્ધાળુઓની સંખ્યા બમણી થવાની શક્યતા છે. જેને લઇ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે.

સેનેટાઇઝેશન તથા સોશ્યલ ડિસ્ટન્સિગની વ્યવસ્થા

કોરોના મહામારી અન્વયે સરકારની ગાઇડલાઇન અન્વયે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે સેનેટાઇઝેશન તથા સોશ્યલ ડિસ્ટન્સિગ માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોને કોવિડ-19ની માર્શિકા અનુસાર દર્શન વ્યવસ્થામાં સહયોગ આપવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here