અમદાવાદ : પશ્ચિમ વિસ્તારના ઝોન 1ના તમામ PIને સવાર-સાંજ 4 કલાક પેટ્રોલિંગ કરવા DCP રવિન્દ્ર પટેલનો હુકમ

0
12

એકતરફ પોલીસ સ્ટેશનમાં સવારે 10 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી અરજદાર અને લોકો પોતાની રજૂઆત લઈને આવતા હોય છે જેથી પોલીસ ઇન્સ્પેક્ટરોને ફરજિયાત પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા માટે પોલીસ કમિશનરની સૂચના છે. પરંતુ ઝોન 1 DCP રવિન્દ્ર પટેલે પોતે એક પરિપત્ર બહાર પાડી તેમના તાબામાં આવતા 8 પોલીસ સ્ટેશનના PI ને હુકમ કર્યો છે કે, દરેક PI એ સવારે 8 થી 12 અને સાંજે 4 થી 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજીયાત પેટ્રોલિંગ કરવાનું છે. આ સમય દરમીયાનનું પોતાનું લાઈવ લોકેશન ઝોન 1ના વ્હોટસ એપ ગ્રૂપમાં મુકવાનું રહેશે.

DCP ડૉ. રવિન્દ્ર પટેલે ખુલાસો કરતાં કહ્યું હતું કે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરિપત્ર કરવામાં આવ્યો છે. જો PI ફિલ્ડમાં બહાર નીકળશે તો કર્મચારી કામ કરશે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હૂકમ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે ફરિવાર કોઈ નવો પરિપત્ર કરવામાં આવશે કે નહીં તેનો ખુલાસો DCP ડો. રવિન્દ્ર પટેલે નહોતો કર્યો.

કોનો આદેશ માનવો એ અંગે પોલીસ ઈન્સપેક્ટરોની મુંઝવણ વધી

ઝોન 1 DCP રવિન્દ્ર પટેલના આ ફરમાનના કારણે તમામ PI મુંઝવણમાં મુકાયા છે કે કમિશનર સંજય શ્રીવાસ્તવ સાહેબના હુકમ મુજબ સાંજે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું કે પછી DCP રવિન્દ્ર પટેલના હુકમથી 4 કલાક બહાર પેટ્રોલિંગમાં ફરવું. સાંજે અરજદાર અને અન્ય તપાસો પણ પોલીસ સ્ટેશનમાં હોય છે પરંતુ DCP ના આ તઘલખી ફરમાનથી તમામ PI નારાજ થયા છે. પરિપત્રમાં કહ્યું છે કે તમામ PI સવારે 4 કલાક અને સાંજે 4 કલાક ફિલ્ડ વર્ક કરવાનુ રહેશે.

PI બરાબર કામ કરે છે કે નહીં તેનું સુપરવિઝન ACP કરશે

ઝોનના બે ACP એ તેમના તાબામાં આવતા પોલીસ સ્ટેશનના PI આ કામગીરી બરાબર રીતે કરે છે કે નહીં તે જોવાનું અને સુપરવિઝન કરવાનું રહેશે. પોલીસ ઇન્સ્પેક્ટરો પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કે ફિલ્ડ વર્ક કરતા નથી તેવું ધ્યાને આવ્યું હોવાથી આ પરિપત્ર કર્યો હોવાનું જણાવ્યું છે. આ પરિપત્રથી પોલીસ ઈન્સપેક્ટરોમાં એવી ચર્ચા ચાલી છે કે, પોલીસ સ્ટેશનની બીજી ઘણી કામગીરી હોય છે. 8 કલાક પેટ્રોલિંગ કે ફિલ્ડ વર્ક રોજે રોજ કરવાનું અશક્ય છે અને અન્ય કામગીરી ખોરવાઈ જાય તેમ છે. પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારોને નાનામોટા પ્રશ્નો કઈ રીતે ઉકેલવામાં સરળતા નહિ રહે અને તેઓ પછી PI મળતા નથી તેવા આક્ષેપો લઈ ઉચ્ચ અધિકારીઓ સુધી જાય છે.