વડોદરા : ચોરીના આરોપીને માર મારતા મોત! PI, PSI સહિત છ પોલીસકર્મીઓ સામે હત્યાનો આરોપ

0
24

કસ્ટડીમાં આરોપીના મોત બાદ લાશને સગેવગે કરી હોવાનો પણ પોલીસકર્મીઓ પર આરોપ

 

 

વડોદરા શહેરમાં પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો દાખલ થયો છે. ફતેગંજ પોલીસ મથકના પી.આઈ, પી.એસ.આઈ અને 4 કોન્સ્ટેબલ સામે ગુન્હો નોંધાયો છે. ચોરીના શકમંદ આરોપીને બાંધીને માર માર્યો હતો. જેના લીધે આરોપીનું મોત થયું હતું. એટલું જ નહીં પોલીસકર્મીઓએ સાથે મળી આરોપીની લાશને સગેવગે કરી હોવાનો પણ આરોપ લાગ્યો છે.

મળતી વિગત મુજબ, 6 મહિના પહેલાં સાઇકલ પર ચાદરની ફેરી કરવા નીકળેલા મૂળ તેલંગાનાના અને અમદાવાદમાં રહેતા શેખ બાબુ શેખ નિસારને ફતેગંજ પોલીસ પૂછપરછ માટે લઈ ગયા બાદ તેઓ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા હતા. ચોરીનો ગુનો કબુલવા પોલીસે અમાનુષી અત્યાચાર ગુજારાતા મોત થયું હતું. 10 ડિસેમ્બરે ફતેગંજ પોલીસે શેખ બાબુની અટક કરી 12 ડિસેમ્બર સુધી રાખ્યા હતા. જ્યાં આરોપીને બાંધીને માર માર્યો હતો. જેમાં તેમનું મોત નીપજ્યું હતું.

શેખ બાબુ શેખનું મોત નીપજતાં ફતેગંજ પોલીસ મથકના તત્કાલિન પી.આઇ. ધર્મેન્દ્રસિંહ બુટકસિંહ ગોહિલ, પી.એસ.આઇ. દશરથ માધાભાઇ રબારી, પોલીસકર્મી પંકજ માવજી, યોગેન્દ્રસિંહ જીલણસિંહ, રાજેશ સવજી અને હિતેશ શંભુભાઇએ મળીને લાશ સગેવગે કરી દીધી હતી.

શેખ બાબુ ઘરે પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. પરિવારે ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરતાં પોલીસે તેમને પૂછપરછ માટે લવાયા હોવાનું પણ ત્યાર પછી તેમને જવા દેવાયા હોવાનું જણાવ્યું હતું. જેથી શેખ બાબુના પુત્ર અને પરિવારે સમગ્ર શહેરમાં જુદાં-જુદાં પોલીસ સ્ટેશનો અને દવાખાનામાં તપાસ કરી હતી, પરંતુ તેમનો પત્તો મળ્યો ન હતો.

શોધખોળ બાદ પણ પત્તો ન લાગતા આખરે પરિવારજનોએ સયાજીગંજ પોલીસ મથકમાં અરજી આપી હતી. સયાજીગંજ પોલીસ મથકના ACP પરેશ ભેંસાણીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી. પરંતુ, તેઓ મળી આવ્યા ન હતા.

દરમિયાન આ બનાવની તપાસ પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે ACP એસ.જી પાટીલને કરવા માટે હુકમ કર્યો હતો. ACP એસ.જી. પાટીલની લાંબી તપાસ અને વિવિધ લોકોના લીધેલા નિવેદનોમાં ફતેગંજ પોલીસ મથકના તત્કાલિન પી.આઇ. ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને તેમના સર્વેલન્સ સ્ટાફ દ્વારા શેખ બાબુ શેખની અટકાયત કરીને તેઓને માનસિક, શારીરિક ત્રાસ આપતા મોત નીપજ્યું હોવાની હકીકત બહાર આવી હતી. આ સાથે તેઓની લાશ સગેવગે કરી દીધી હોવાની હકીકત બહાર આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here