અમદાવાદ : પતંગ ચગાવવાની લ્હાયમાં બાળકનો ગયો જીવ : ધાબા પરથી નીચે પટકાતા 10 વર્ષના બાળકનું મોત.

0
10

ઉત્તરાયણને હજુ 8 દિવસ બાકી છે તે પહેલા અમદાવાદમાં પતંગ ચગાવવાની લ્હાયમાં બાળકનો જીવ ગયો છે. ધાબા પર પતંગ ચગાવતો બાળક લપસી જતા નીચે પટકાતા મોત નિપજ્યું છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 27 નંબરના બ્લોકમાં રહેતા 10 વર્ષીય રોનક રાવતનું મોત નીપજ્યું છે. રોનક તેમના પરિવારનો એકનો એક દીકરો હતો. તેના પિતા કિડની હોસ્પિટલમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રોનકના માતા પિતા એક મરણ પ્રસંગમાં ગયા હતા. ત્યારે ઘરે રોનક અને તેના દાદી એકલા હતા.

બાળકના મોત બાદ પરિવાર હાલ શોકમાં ઘરકાવ થયો છે. ત્યારે વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો હોવાનું જણાવી પરિવારજનોને લોકોને અપીલ કરી રહ્યા છે કે વાલીઓ એ ખાસ તેમના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. પતંગ ચગાવવા બાળક જાય કે ધાબે કોઈ કારણથી જાય ત્યારે એક મોટી વ્યક્તિએ સાથે રહેવું જોઈએ. ખાસ તો પતંગ ચગાવતી વખતે કે પતંગ લૂંટતી વખતે બાળક ભાન ન ભૂલે તે કાળજી રાખવી વાલીઓની જવાબદારી બને છે.

મળતી વિગત મુજબ, રોનકના દાદી ઘરમાં નીચે હતા અને રોનક ધાબે પતંગ ચગાવવા ગયો હતો. અચાનક જ રોનક ધાબેથી પટકાતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. પતંગ ચગાવતા એવું તો શું થયું કે તે નીચે પટકાયો તેની જાણ નથી. પણ આસપાસના લોકોએ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પહેલા સુરત શહેરના પુણા વિસ્તારમાં એક દુર્ઘટના બની હતી. જેમાં 5 વર્ષીય કેનિલ ગોહિલ નામનો બાળક ધાબા પર પતંગ ચગાવતો હતો. આ દરમિયાન તેનો પગ લપસી જતા બીજા માળેથી પટકાયો હતો. જેને લઇને બાળકનું મૃત્યુ થયું હતું. એટલું જ નહીં રાજકોટમાં પણ કરૂણાંતિક ઘટના બની હતી. જેમાં પતંગના દોરાથી યુવકનું ગળું કપાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here