રાજકોટ : ચોથા માળેથી પટકાતા પરિણીતાનું મોત, મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું

0
6

રાજકોટના નટરાજનગરમાં આવેલા RMC ક્વાર્ટરમાં રહેતી પરિણીતા ચોથા માળેથી પટકાતાં ગંભીર ઇજા પહોંચી હતી. જેને પગલે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી. પરંતુ અહીં તેનું મૃત્યુ નીપજ્યું હતું. ગોંડલ રહેતા માવતર પક્ષ તરફથી મૃત્યુ અંગે આક્ષેપો થતાં પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.

માવતર અને સાસરીયા પક્ષ વચ્ચે બોલાચાલી થઇ હતી

સાધુ વાસવાણી રોડ પર નટરાજનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા સેજલબા યશપાલસિંહ વાઘેલા (ઉ.વ.28) ગુરુવારે સાંજે ચોથા માળેથી પડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બાદમાં ત્યાંથી  ગિરીરાજ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે મોત નીપજતાં મૃતદેહ  પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે રાત્રે મૃતકના માવતર અને સાસરિયા પક્ષ વચ્ચે બોલાચાલી થતાં પોલીસે મામલો શાંત પાડ્યો હતો. પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.

દીકરીએ માતાની છત્રછાંયા ગુમાવી

મૃત્યુ પામનાર સેજલબાના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક દીકરી છે. જે મા વિહોણી થતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. યુનિવર્સિટી પોલીસ મથકના PI આર. એસ. ઠાકરની રાહબરીમાં PSI એચ. બી. બરવાડીયા, ASI હરદેવસિંહ રાયજાદા અને પ્રદિપભાઇ સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે. સેજલબા અકસ્માતે પટકાયા, આત્મહત્યા કરી કે અન્ય કંઇ બન્યું? તે અંગે તપાસ થઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here