બોરસદ તાલુકાના જંત્રાલ ગામે પરિણીતા બેભાન થઈ જતા તેનો પતિ તેને હૉસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. જેને પગલે પરિણીતાનો પતિ તેના મૃતદેહને ઘરે બિનવારસી છોડી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ આ બનાવ અંગે પરિણીતાના માતા અને ભાઈને જાણ થતાં તેઓ જંત્રાલ દોડી આવ્યા હતા અને સમગ્ર હકીકત વિરસદ પોલીસને જણાવી હતી. હાલમાં વિરસદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેને પગલે પરિણીતાની હત્યા કરાઈ છે, આત્મહત્યા છે કે પછી કુદરતી મૃત્યુ તે અંગે રહસ્ય ઘુંટાઈ રહ્યું છે.
ખંભાત તાલુકાના વટાદરા ગામે રહેતા મંજુલાબેન રાયસીંગભાઈ ચુનારાની 21 વર્ષીય પુત્રી ભાવનાબેનના લગ્ન 4 વર્ષ અગાઉ સમાજના રીતિ-રિવાજ મુજબ બોરસદ તાલુકાના જંત્રાલ ગામે રહેતા અરવિંદભાઈ પૂનમભાઈ ચુનારા સાથે થયા હતા. તેમને 3 સંતાન છે. બુધવારે મધરાત્રે દોઢ કલાકે ભાવનાબેન અચાનક બેભાન થઈ ગયા હતા. જેને પગલે તેનો પતિ અરવિંદ તેને બેભાન હાલતમાં બોરસદની એક ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જેથી તે મૃતદેહને લઈને પોતાના ઘરે પરત આવ્યો હતો. મૃતદેહને બિનવારસી છોડી ફરાર થઈ ગયો હતો. ભાવનાબેનના મૃત્યુ અંગેની જાણ ગામના પ્રવીણભાઈ પુનમભાઈ ચુનારાને થતાં જ તેમણે તુરંત જ વટાદરા ગામના વિઠ્ઠલભાઈ સોમાભાઈ ચુનારાને ફોન કરીને જાણ કરી હતી. જેથી વિઠ્ઠલભાઈ ભાવનાબેનના માતાના ઘરે જઈને દીકરીના મૃત્યુ અંગેની જાણ કરી હતી. મૃતકના માતા મંજુલાબેન અને તેનો ભાઈ નરેશ બંને જણા જંત્રાલ ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે સમગ્ર બનાવની જાણ વિરસદ પોલીસને કરતા પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
મૃતકના પતિએ તેની સાથે બીજા લગ્ન કર્યા હતા
ચુનારાવાસ વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ પરિણીત હોવા છતાં તેમણે ખંભાતના વટાદરા ખાતે રહેતા ભાવના સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પત્ની ભાવનાબેનની લાશ સવારે તેઓના મકાનમાંથી મળી આવી હતી. જોકે, તેનો પતિ વહેલી સવારથી જ ગાયબ હોઈ ગામમાં તેઓએ જ હત્યા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વિરસદ પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી વિસેરા ગાંધીનગર મોકલ્યા છે ત્યારે બીજી તરફ લાશ ઉપર ઈજાના કોઈ બાહ્ય નિશાન મળી આવ્યા નથી જેને લઈ મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. રિપોર્ટ બાદ મામલો સ્પષ્ટ થશે. મૃતક ભાવનાબેનના પતિ અરવિંદભાઈએ જ પત્નીની હત્યા કરી હોવાનું અને ત્યારબાદ ફરાર થઈ ગયા હોવાનું હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.