ડીસા: ડીસાના એરપોર્ટ ચાર રસ્તા પાસે ગુરૂવારે બપોરે સોડાની બોટલમાં વધારે ગેસ ભરાઈ જતાં સોડા ભરેલી બાટલી સાથે ગેસનો બાટલો ધડાકાભેર ફાટ્યો હતો. જેમાં સોડાનો વેપાર કરતા યુવકના મોંઢાના ભાગે કાચ ઘૂસી જતાં થયેલી ગંભીર ઇજાના કારણે સારવાર દરમિયાન પાલનપુર ખાતે મોત થયું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ છવાઇ ગયો હતો.
ડીસાના એરપોર્ટ ચાર રસ્તા પાસે સિકંજી તેમજ સોડા માટે રિક્ષાઓ ઉભી રહે છે. વોહળામાં રહેતો 29 વર્ષિય કિશોર રમેશભાઈ શર્મા નામનો યુવક એરપોર્ટ ચાર રસ્તા પાસે પોતાની કિશોર સ્ટ્રોંગ સોડા નામે વ્યયસાય કરતો હતો. ગુરુવારે બપોરે તે તેની લારી ઉપર સોડા બનાવી રહ્યો હતો, તે દરમિયાન સોડાની બાટલીમાં વધારે ગેસ ભરાઈ ગયો હતો, જેના કારણે બાટલી તેમજ ગેસનો બાટલો ફૂટતાં તેના કાચ મોઢાના ભાગે વાગતાં ગંભીર ઇજા પહોંચી હતી અને ત્યાં જ ફસડાઇ પડ્યો હતો.
બનાવના પગલે ભેગા થઇ ગયેલા લોકોએ 108ને જાણ કરી હતી. તેને સારવાર માટે પહેલાં ડીસા સિવિલમાં લઇ જવાયો હતો, પરંતુ હાલત ગંભીર જણાતાં વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેની લાશનું પાલનપુર સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાયું હતું. આ ઘટનાન. લઇ પરિવારમાં આક્રંદ છવાયો હતો.
એક્સપર્ટ મંતવ્ય
યુવકને લેસરેશન ઇન્જરી હતી
ગેસનો બાટલો ફાટે તેમાંથી વિસ્ફોટક પદાર્થ ફૂટી નીકળે છે, જેના કારણે તેના પાસે રહેલી વ્યક્તિ કે વસ્તુને અંદર સુધી ફાડી નાખે છે. ઇજા પહોંચાડે છે. આ ઘટનામાં વિસ્ફોટક પદાર્થે યુવકના મોંઢા ઉપરની ચામડી ફાડી નાખી હતી, જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી. – ડો.સિરીશ જોશી, ડીસા સિવિલ હોસ્પિટલ