દિલ્હીએ ચેન્નઈને 44 રને હરાવ્યું : ચેન્નઈ સુપર કિંગ્સ સામે દિલ્હી સાતમી મેચ જીત્યું, પૃથ્વી શો અને કગીસો રબાડા રહ્યા જીતના હીરો.

0
8

IPLની 13મી સીઝનની સાતમી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 44 રને હરાવી છે. ચેન્નઈ સામે 22 મેચોમાં દિલ્હીની આ સાતમી જીત છે. ટોસ હારીને દિલ્હીએ ચેન્નઈને 176 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ચેન્નઈ 131 રન જ કરી શકી. સીઝનમાં આ ચેન્નઈની સતત બીજી હાર છે.

દિલ્હીની જીતના હીરો પૃથ્વી શો અને કગીસો રબાડા રહ્યા. શોએ IPLમાં પોતાની પાંચમી ફિફટી મારી. તેણે 64 રનની ઇનિંગન્સ રમ,. જ્યારે રબાડાએ 3 વિકેટ લીધી. દિલ્હી 2 મેચમાં 4 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે.

ડુ પ્લેસીસ સિવાય અન્ય કોઈ રન બનાવી શક્યું નહીં

ચેન્નઈ તરફથી ફાફ ડુ પ્લેસીસ (43) સિવાય અન્ય કોઈ બેટ્સમેન રન બનાવી શક્યું નથી. ફાફ સિવાય કેદાર જાધવે 26, એમએસ ધોનીએ 15 અને રવીન્દ્ર જાડેજાએ 12 રન કર્યા. દિલ્હી માટે રબાડા સિવાય એનરિચ નોર્ટજેએ 2 અને અક્ષર પટેલે 1 વિકેટ લીધી.

ડુ પ્લેસીસે IPLમાં 2 હજાર રન પૂરા કર્યા

ફાફ ડુ પ્લેસીસે IPLમાં 2 હજાર રન પૂરા કર્યા છે. આવું કરનાર તે 33મો ખેલાડી બન્યો છે. પ્લેસીસે 74 મેચની 67મી ઇનિંગ્સમાં આ આંકડો ક્રોસ કર્યો. તેણે લીગમાં 14 ફિફટી મારી છે.

શેન વોટ્સન છઠ્ઠી વાર પટેલનો શિકાર થયો

શેન વોટ્સન અક્ષર પટેલની બોલિંગમાં ડીપ-મિડવિકેટ પર હેટમાયરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 16 બોલમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી 14 રન કર્યા હતા. તે લીગમાં કુલ છઠ્ઠી વાર પટેલની બોલિંગમાં આઉટ થયો. અગાઉ વોટ્સન 2 રને બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે પૃથ્વીએ એનરિચની બોલિંગમાં સ્કવેર લેગ પર તેનો કેચ છોડ્યો હતો, જ્યારે મુરલી વિજયે પણ નિરાશ કરતાં 15 બોલમાં 10 રન કર્યા હતા. ઋતુરાજ ગાયકવાડ પંત/અક્ષર દ્વારા રન આઉટ થયો હતો. તેણે 10 બોલમાં 5 રન કર્યા હતા. તેના પછી કેદાર જાધવ 26 રને એનરિચ નોર્ટજેની બોલિંગમાં LBW થયો હતો. ડુ પ્લેસીસ અને જાધવે ચોથી વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી હતી.

ચેન્નઈને 176 રનનો ટાર્ગેટ આપ્યો

દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 20 ઓવરમાં 3 વિકેટે 175 રન કર્યા છે. તેમના માટે ઓપનર પૃથ્વી શોએ સર્વાધિક રન કર્યા, જ્યારે ઋષભ પંતે 37*, શિખર ધવને 35 અને શ્રેયસ ઐયરે 26 રનનું યોગદાન આપ્યું. ચેન્નઈ માટે પીયૂષ ચાવલાએ 2 અને સેમ કરને 1 વિકેટ લીધી. ​​​

પૃથ્વીએ IPLમાં પાંચમી ફિફટી મારી

પૃથ્વી શો પીયૂષ ચાવલાની બોલિંગમાં એમએસ ધોની દ્વારા સ્ટમ્પ થયો હતો. તેણે 43 બોલમાં 9 ફોર અને 1 સિક્સની મદદથી 64 રન કર્યા હતા. આ તેની IPLમાં પાંચમી ફિફટી હતી, જે તેણે 35 બોલમાં પૂરી કરી હતી.

દિલ્હીના ઓપનર્સે બીજીવાર ચેન્નઈ સામે 50થી વધુની પાર્ટનરશિપ કરી

શિખર ધવન પીયૂષ ચાવલાની બોલિંગમાં LBW થયો હતો. તેણે 27 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 35 રન કર્યા હતા. શિખર અને પૃથ્વીએ પ્રથમ વિકેટ માટે 94 રન ઉમેર્યા હતા. આ ચેન્નઈ સામે દિલ્હીની બીજી સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ છે. અગાઉ 2008માં સેહવાગ અને ગંભીરે પ્રથમ વિકેટ માટે ચેપોક ખાતે 115 રન કર્યા હતા. આ સિવાય ક્યારેય પણ દિલ્હીના ઓપનર્સ ચેન્નઈ સામે 50 રનની ભાગીદારી કરી શક્યા નથી.

શો શૂન્ય રને આઉટ હતો, કોઈએ અપીલ ન કરી

દિલ્હીનો ઓપનર પૃથ્વી શો ઇનિંગ્સના બીજા બોલે દીપક ચહરની બોલિંગમાં આઉટ હતો. રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ બેટની ઇનસાઇડ એજ લઈને કીપર ધોનીના હાથમાં ગયો હતો. ચેન્નઈમાં ખેલાડીઓને ખબર નહોતી પડી, તેમણે કોઈ પ્રકારની અપીલ નહોતી કરી.

આ સીઝનમાં જાડેજાએ હજી સુધી 10ની ઈકોનોમીથી રન આપ્યા

ચેન્નઈના સ્પિનર રવીન્દ્ર જાડેજા માટે હજી સુધી આ સીઝન સારી રહી નથી. જાડેજાએ રમેલી ત્રણેય મેચમાં 10થી વધુની ઈકોનોમીથી રન આપ્યા છે. આજે જાડેજાએ 4 ઓવરમાં 44 રન આપ્યા અને વિકેટ ઝડપી નહીં. તેણે મુંબઈ સામે 4 ઓવરમાં 42 અને રાજસ્થાન સામે 40 રન આપ્યા હતા.

ચેન્નઈએ ટોસ જીતીને બોલિંગ લીધી

ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ IPLની 13મી સીઝનની 7મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) સામે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ધોનીએ પોતાની ટીમમાં એક ફેરફાર કરતાં લુંગી ગિડીનીની જગ્યાએ ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવૂડને સ્થાન આપ્યું છે, જ્યારે દિલ્હીએ પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. આર. અશ્વિન અને મોહિત શર્માની જગ્યાએ અમિત મિશ્રા અને આવેષ ખાન રમી રહ્યા છે.

ચેન્નઈની પ્લેઈંગ 11: એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), શેન વોટ્સન, ફાફ ડુ પ્લેસીસ, મુરલી વિજય, કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, સેમ કરન, પીયૂષ ચાવલા, દીપક ચહર અને જોશ હેઝલવૂડ

દિલ્હીની પ્લેઈંગ 11: શ્રેયસ ઐયર (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, માર્કસ સ્ટોઈનિસ, અમિત મિશ્રા, કગીસો રબાડા, એનરિચ નોર્ટજે અને આવેષ ખાન

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here