દિલ્હીએ હૈદરાબાદને 17 રને હરાવ્યું : IPLના ઇતિહાસમાં દિલ્હી પહેલીવાર ફાઇનલમાં રમશે, 10 નવેમ્બરે મુંબઈ સામે ટકરાશે.

0
4

IPLની 13મી સીઝનના બીજા ક્વોલિફાયરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 17 રને હરાવીને દિલ્હી કેપિટલ્સની ટીમ પહેલીવાર IPLની ફાઇનલમાં પહોંચી છે. તેઓ 10 નવેમ્બર, મંગળવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે દુબઈ ખાતે ફાઇનલમાં ટકરાશે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં સનરાઇઝર્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 172 રન જ કરી શકી હતી. તેમના માટે કેન વિલિયમ્સને IPLમાં પોતાની 15મી ફિફટી ફટકારતા 45 બોલમાં 5 ફોર અને 4 સિક્સની મદદથી 67 રન કર્યા. અબ્દુલ સમદે 33 અને મનીષ પાંડેએ 21 રનનું યોગદાન આપ્યું. કેપિટલ્સ માટે કગીસો રબાડાએ 4, માર્કસ સ્ટોઈનિસે 3 અને અક્ષર પટેલે 1 વિકેટ લીધી.

એક સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સ:

 • 32: ડ્વેન બ્રાવો (2013)
 • 29: કગીસો રબાડા (2020) *
 • 28: લસિથ મલિંગા (2011)
 • 28: જેમ્સ ફોકનર (2013)
 • 27: જસપ્રીત બુમરાહ (2020)

સૌથી વધુ IPL ફાઇનલ રમનાર ટીમ:

 • 8 વાર – ચેન્નાઈ સુપરકિંગ્સ
 • 6 વાર- મુંબઈ ઇન્ડિયન્સ
 • 3 વાર- રોયલ ચેલેન્જર્સ બેંગલોર
 • 2 વાર- કોલકાતા નાઈટ રાઈડર્સ
 • 2 વાર- સનરાઇઝર્સ હૈદરાબાદ
 • 1 વાર- ડેક્કન ચાર્જર્સ
 • 1 વાર- કિંગ્સ ઇલેવન પંજાબ
 • 1 વાર- રાજસ્થાન રોયલ્સ
 • 1 વાર- રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ
 • 1 વાર- દિલ્હી કેપિટલ્સ

સ્ટોઈનિસે એક જ ઓવરમાં ગર્ગ અને પાંડેને આઉટ કર્યા

ડેવિડ વોર્નર 2 રને કગીસો રબાડાની બોલિંગમાં બોલ્ડ થયો. તે પછી પ્રિયમ ગર્ગ સ્ટોઈનિસની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 12 બોલમાં 2 સિક્સની મદદથી 17 રન કર્યા હતા. જ્યારે મનીષ પાંડે પણ આ જ ઓવરમાં સ્ટોઈનિસની બોલિંગમાં મીડ-ઓન પર નોર્ટજે દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 14 બોલમાં 3 ફોરની મદદથી 21 રન કર્યા હતા.

દિલ્હીએ 190 રનનો ટાર્ગેટ આપ્યો
દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે અબુ ધાબી ખાતે 20 ઓવરમાં 3 વિકેટે 189 રન કર્યા છે. કેપિટલ્સ માટે શિખર ધવને સર્વાધિક 78 રન કર્યા, જ્યારે શિમરોન હેટમાયર 42, માર્કસ સ્ટોઈનિસ 38 અને શ્રેયસ ઐયરે 21 રનનું યોગદાન આપ્યું. હૈદરાબાદ માટે સંદીપ શર્મા, જેસન હોલ્ડર અને ટી. નટરાજને 1-1 વિકેટ લીધી.

ધવન સૌથી વધુ ફિફટી મારનાર ભારતીય

ધવન IPLમાં રેકોર્ડ સૌથી વધુ 41 ફિફટી મારનાર ભારતીય બેટ્સમેન છે. ધવન પછી બીજા ક્રમે 39 ફિફટી સાથે બેંગલોરનો કેપ્ટન વિરાટ કોહલી છે. સૌથી વધુ ફિફટી મારનાર બેટ્સમેનમાં હૈદરાબાદનો કેપ્ટન ડેવિડ વોર્નર 48 ફિફટી સાથે ટોપ પર છે. ધવને આ સીઝનમાં 2 સદી સહિત 600થી વધુ રન કર્યા છે.

ધવનની લીગમાં 41મી ફિફટી

શિખર ધવને પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા લીગમાં 41મી ફિફટી મારી. તેણે 50 બોલમાં 6 ફોર અને 2 સિક્સની મદદથી 78 રન કર્યા હતા. ધવને પહેલીવાર IPLની નોકઆઉટ/પ્લેઓફ મેચમાં ફિફટી ફટકારી છે. તે સંદીપ શર્માની બોલિંગમાં LBW આઉટ થયો હતો. તે પહેલાં શ્રેયસ ઐયર જેસન હોલ્ડરની બોલિંગમાં મીડ-ઓફ પર મનીષ પાંડેના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 20 બોલમાં 1 ફોરની મદદથી 21 રન કર્યા હતા.

સ્ટોઈનિસ અને ધવનની 86 રનની ઓપનિંગ પાર્ટનરશિપ

શિખર ધવન અને માર્કસ સ્ટોઈનિસે દિલ્હી કેપિટલ્સને શાનદાર શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 8.2 ઓવરમાં 86 રનની પાર્ટનરશિપ કરી હતી. સ્ટોઈનિસ પૃથ્વી શોની જગ્યાએ ઓપનિંગમાં આવ્યો હતો. તેણે 27 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 38 રન કર્યા હતા. તે રાશિદની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

મિસ્ડ ચાન્સ: સ્ટોઈનિસ 3 રને રમી રહ્યો હતો ત્યારે સંદીપ શર્માની બોલિંગમાં જેસન હોલ્ડરે સિલી મીડ-ઓન પર તેનો કેચ છોડ્યો હતો.

દિલ્હી : શિખર ધવન, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર (કેપ્ટન), શિમરોન હેટમાયર, ઋષભ પંત (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, પ્રવીણ દુબે, અક્ષર પટેલ, કગીસો રબાડા, આર. અશ્વિન, એનરિચ નૉર્ટજે

હૈદરાબાદ : ડેવિડ વોર્નર (કેપ્ટન), શ્રીવત્સ ગોસ્વામી(વિકેટકીપર), કેન વિલિયમ્સન, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, શાહબાઝ નદીમ, રાશિદ ખાન, સંદીપ શર્મા અને ટી. નટરાજ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here