કેનેડાએ પોતાની ઇમિગ્રેશન પોલિસીમાં મહત્વપૂર્ણ અપડેટ કર્યા છે કે જે લાખો ઇમિગ્રન્ટ્સને પ્રભાવિત કરી શકે છે અને તેમાં મોટી સંખ્યામાં ભારતીયો પણ છે. કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે જણાવ્યું હતું કે વર્તમાનમાં વિદેશી નાગરિકો પાસેની લગભગ 50 લાખ જેટલી અસ્થાયી પરમિટ 2025ના અંત સુધીમાં સમાપ્ત થવાની છે.
પરિણામસ્વરૂપે મોટાભાગના પરમિટ ધારકો દેશ છોડી દેશે તેવી અપેક્ષા છે, સિવાય કે તેઓ પરમેનન્ટ નિવાસી બને અથવા તો પોતાની પરમિટને રિન્યૂ કરી લે. મિલરે આ સપ્તાહની શરૂઆતમાં કોમન્સ ઇમિગ્રેશન કમિટીને સૂચિત કરી હતી કે ઘણા લોકો પોતાની મરજીથી દેશ છોડીને જતાં રહે તેવી અપેક્ષા છે. જે લોકો વધારે સમય રોકાશે તેમના માટે કેનેડાની બોર્ડર સર્વિસ એજન્સી(CBSA) ઈમિગ્રેશન લો લાગુ કરશે. તેમણે જણાવ્યું હતું કે લગભગ 766,000 શિક્ષણ પરમિટ ડિસેમ્બર 2025 સુધીમાં સમાપ્ત થવાની છે. તેમણે ઉમેર્યું હતું કે કેટલાક વિદ્યાર્થીઓ પોતાની પરમિટને રિન્યૂ કરાવી શકે છે અથવા તો સ્નાતકોત્તર વર્ક પરમિટ માટે એપ્લાઇ કરી શકે છે, જેના આધારે તેઓ કેનેડામાં વધારે સમય રહી શકશે.