IPL 2020 : ક્વોલિફાયર-1 : આજે ‘મજબૂત’ મુંબઈ સામે ‘દમદાર’ દિલ્હીનો રોમાંચક મુકાબલો.

0
16

કોરોનાકાળમાં રમાઈ રહેલા આઈપીએલની 13મી સીઝન હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. લીગ મુકાબલા ખતમ થયા બાદ હવે આજે પહેલો ક્વોલિફાયર મેચ પોઈન્ટ ટેબલની ટોપ-2 મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી દુબઈમાં રમાશે.

પોઈન્ટ ટેબલમાં ટોપ-2માં રહેનારી ટીમોને ફાઈનલમાં પહોંચવા માટે બે તક મળે છે. પ્રથમ ક્વોલિફાયર જીતનારી ટીમ સીધી ફાઈનલમાં પ્રવેશ કરશે. જ્યારે હારનારી ટીમ એલિમિનેટર મુકાબલામાં જીતનારી ટીમ સાથે ક્વોલિફાયર-2માં ટકરાશે. એલિમિનેટર મુકાબલો પોઈન્ટ ટેબલમાં ત્રીજા અને ચોથા નંબરે રહેનારી ટીમ હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચે આવતીકાલે રમાશે. આ મેચમાં હારનારી ટીમ બહાર થઈ જશે જ્યારે જીતનારી ટીમને ફાઈનલમાં પહોંચવા માટે ક્વોલિફાયર-2 જીતવો પડશે.

આ સીઝનમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઈનું પલડું ભારે રહ્યું છે. બન્ને વચ્ચે આ સીઝનમાં બે મુકાબલા રમાયા અને મુંબઈએ બન્નેમાં સરળતાથી જીત મેળવી હતી. ચાર વખતની ચેમ્પિયન મુંબઈની નજર દિલ્હીને હરાવીને પોતાના પાંચમા ખીતાબના અભિયાનને આગળ લઈ જવા પર હશે. કેપ્ટન રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઈ બોલિંગ અને બેટિંગમાં અત્યંત સંતુલિત ટીમ છે.

દિલ્હી કેપિટલ્સની નજર મુંબઈના પડકારને પાર કરીને પહેલી વખત ફાઈનલમાં પ્રવેશ કરવા પર રહેશે. અત્યાર સુધી પહેલાં ખિતાબ માટે તરસી રહેલી દિલ્હીની ટીમ બે વખત સેમિફાઈનલમાં પહોંચી હતી પરંતુ ત્યાં તેનો પરાજય થયો હતો. કેપ્ટન શ્રેયસ અય્યરની આગેવાનીમાં દિલ્હી પાસે યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ છે પરંતુ ટીમની ઓપનિંગ જોડી ચિંતાનો વિષય છે.

શિખર ધવન સારા ફોર્મમાં છે અને બે સદી ફટકારી ચૂક્યો છે પરંતુ યુવા ઓપનર પૃથ્વી શો અત્યાર સુધી આશા પ્રમાણેનું પ્રદર્શન કરી શક્યો નથી. આ જ કારણથી દિલ્હીને સારી શરૂઆત મળી રહી નથી. જો કે માર્કસ સ્ટોઈનિસ, ઋષભ પંત અને અજિંક્ય રહાણે સારી બેટિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત બોલિંગમાં કેગિસો રબાડા, અશ્ર્વિન અને એનરિચ નોર્ખિયા પર બોલિંગનું ભારણ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here