મર્સિડીઝ કારની ટક્કરથી ડિલીવરી બોયનું મોત, ઘટનાસ્થળે જઈને સોનુ સૂદે પરિવારને મદદનું વચન આપ્યું

0
0

મુંબઈના અંધેરી વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રન કેસમાં મૃતક ડિલીવરી બોય સતીશ પારસનાથ ગુપ્તા (19)ના પરિવારની મદદ માટે સોનુ સૂદ આગળ આવ્યો છે. ડિલીવરી બોય ઝોમેટા માટે કામ કરતો હતો. સોનુ સૂદે શુક્રવાર, 18 ડિસેમ્બરના રોજ ઘટનાસ્થળ પર જઈને કહ્યું હતું કે તે પરિવારને શક્ય તેટલી મદદ કરશે. મર્સિડીઝ કારની ટક્કરથી સતીશનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. ઓશિવારા પોલીસે 20 વર્ષીય યુવકની ધરપકડ કરી છે.

સોનુ સૂદે સતીશના પરિવાર તથા કેસની તપાસ કરતાં અધિકારીઓ સાથે વાત કરી છે. એક્ટરે પરિવારને દોષિતોને કડકમાં કડક સજા થાય તેવું વચન આપ્યું છે. ગુરુવાર રાત્રે અઢીથી ત્રણની વચ્ચે આ ઘટના બની હતી. પોલીસે આ કેસમાં કાર ચલાવનાર તૈફુર તનવીર શેખની ધરપકડ કરી છે. શેખ મુંબઈના એક પૈસાદાર પરિવાર સાથે સંબંધ રાખતો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે તેની સાથે કારમાં બેઠેલા અન્ય ત્રણ યુવકોને પણ અરેસ્ટ કર્યા છે. સૂત્રોના મતે આ ચારેય નશામાં ધૂત હતા. હાલમાં તમામના મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

આરોપીના પિતા ડ્રાય ફ્રૂટના મોટા વેપારી
પોલીસ દયાનંદ બાંગરે કહ્યું હતું કે શેખની વિરુદ્ધ IPCની કલમ 279, 304 (A) તથા મોટર વ્હિકલ એક્ટની કલમ 196 હેઠળ કેસ કરીને ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના મતે, શેખના પિતા ડ્રાયફ્રૂટના મોટા વેપારી છે. ઘટનાસ્થળ પર હાજર રહેલાં લોકોના મતે, મર્સિડીઝ કાર 100થી વધુ સ્પીડમાં ખોટી દિશામાંથી આવી હતી. આ દુર્ઘટનામાં કારનો આગળો હિસ્સો તથા સ્કૂટી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે. દુર્ઘટના બાદ આરોપી કાર છોડીને ભાગવાની તૈયારીમાં હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેની પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો.

પરિવારે ન્યાયની અપીલ કરી
મૃતક સતીશ ગુપ્તાના મામાએ કહ્યું હતું, ‘સતીશ છેલ્લાં એક વર્ષથી ઝોમેટોમાં ડિલીવરી બોય તરીકે કામ કરતો હતો. તે ફૂડ લઈને જતો હતો અને સામેથી આવતી મર્સિડીઝે તેને ટક્કર મારી દીધી. દુર્ઘટના સમયે કારમાં 3-4 લોકો હતા. સ્થાનિક લોકો સતીશને કોકિલાબેન હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ તે પહેલાં જ તેનું મોત થઈ ચૂક્યું હતું. આ હાઈ પ્રોફાઈલ કેસ છે. અમે ઈચ્છીએ છીએ કે આરોપીઓને સજા મળે અને મૃતક પરિવારને ન્યાય મળવો જોઈએ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here