સુરત. કોરોના વાઈરસની અસર ગણેશોત્સવના તહેવાર પર પડી રહી છે. શહેરમાં ગણેશોત્સવને લઈને જાહેરનામું બહાર પડાયું છે. ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પણ 2 ફૂટની મૂર્તિઓ બેસાડી સાદાઈથી ગણેશોત્સવ ઉજવવા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે દુકાનદારોમાં પણ શ્રીજીની મૂર્તિઓનું ઓછું વેચાણ થયાનું સામે આવી રહ્યું છે. પેપરમાંથી બનેલા અને ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની ડિમાન્ડ લોકોમાં વધુ જોવા મળી રહી છે.
ભાવ 500થી લઈને 5 હજાર
ગણેશોત્સવના તહેવારને લઈને વિવિધ પ્રકારની ગણેશજીની મૂર્તિઓ જેવી કે ટ્રી ગણેશ, લાલ માટીના શ્રી ગણેશ, ઈકો ફ્રેંડલી શ્રી ગણેશ, પેપરના શ્રી ગણેશ, ઓર્ગનિક કલરના શ્રી ગણેશ,તથા સાદી માટીના શ્રી ગણેશજીની મૂર્તિનું બજારમાં આગમન થઇ ચૂક્યું છે. જો કે દર વર્ષની જેમ આ વર્ષે વેરાયટીઓ લિમિટેડ રાખવામાં આવી છે. શ્રીજીની પ્રતિમાના ભાવ પર 500થી શરૂ થઈ 5000 સુધીના રાખવામાં આવ્યા છે.
મૂર્તિનું વેચાણ ઘટયું
ગણેશજીની મૂર્તિઓ માર્કેટમાં આવાની શરૂઆત થઈ ગઈ છે. દરવર્ષે 1000 જેટલી મૂર્તિઓ વહેંચાણ દુકાનદારો દ્વારા થતું હોય છે, જેને ઘટાડીને 900 મૂર્તિઓ વહેંચવામાં મુકવામાં આવી છે. ગણેશજીની પેપરની એક હાથથી ઉંચકાઈ એવી લાઈટ વેટની મૂર્તિ અને ટ્રી ગણેશ મૂર્તિ રાખવામાં આવી છે જે તપેલામાં કે ટીપણામાં નાખતા તરત જ વિસર્જન કરી શકાશે.