ન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા

0
2

પાટણ જિલ્લાના સાંતલપુરમાં અનુસૂચિત જાતિ પરિવારના માલિકી હકના ખેતરમાંથી ભારત માલા પ્રોજેકટ અંતર્ગત રસ્તો નીકળતા આ ખેડૂત માલિકના મંજૂર થયેલા એક કરોડ રૂપિયા ઉપરાંતની રકમ સરકારી અધિકારી અને એક અન્ય શખ્સ દ્વારા બારોબાર ઉપાડી લીધા હોવાનાં આક્ષેપ સાથે સોમવારના રોજ ઉપરોક્ત પરીવારનાં સભ્યો જિલ્લા કલેકટર કચેરી બહાર ધરણા ઉપર બેસી ન્યાયની માંગણી સાથે જિલ્લા પ્રશાસનને લેખીતમાં રજુઆત કરી હોવાનું જણાવ્યું હતું.

પાટણ જિલ્લાની રણકાંધીએ આવેલા સાંતલપુરમાં અનુસૂચિત જાતિનાં હાજીભાઇ ડાહ્યાભાઇનું માલિકીનું ખેતર આવેલું છે. સર્વે નં.-827વાળી જમીનમાં આશરે 1972થી માલિકી હક ધરાવે છે. જેમાં તે વાવેતર કરી પોતાના પરીવારજનોનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે તાજેતરમાં ભારત માલા પ્રોજેકટ અંતર્ગત સર્વે નં.- 827 વાળી માલિકી હકકની જમીનમાંથી રોડ નીકળતા પોતાના જમીનનું વળતર માંગવા સરકાર સામે અરજી કરી હતી.

અરજી બાદ જમીનનાં સરકાર દ્વારા એક કરોડ 13 લાખ મંજૂર થયેલા ત્યારે સર્વે નં.-882નાં વેચાણ દસ્તાવેજના આધારે ખોટી રીતે રાધનપુર પ્રાંત અધિકારીએ પોતાના મળતીયાઓને સાથે રાખી સર્વે નં.-827માં ફેરવી ખેડૂત હાજીભાઇના વળતરની રકમ રદ્દ કરવામાં આવતા આ મામલે તેઓ દ્વારા અપીલ કેસ કરેલો જે કેસ હાલમાં રાધનપુર કોર્ટ અને કલેકટર કચેરીમાં ચાલી રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

આ કૌભાંડમાં રાધનપુર પ્રાંત અધિકારી ડી.કે. ટાંક અને સર્વે નં.-822નાં દસ્તાવેજ વાળા આહીર સવા કાના, જીવણ મહાદેવ દ્વારા એકબીજા સાથે મેળાપીપણા કરી ખેડૂત હાજીભાઇની મંજૂર થયેલી રકમ રૂપિયા 1 કરોડ 13 લાખ બારોબાર ઉપાડી લીધી હોવાના આક્ષેપો ખેતર માલિક હાજીભાઇના પરીવારજનો કરી રહ્યા છે.

આ ઘટનામાં રાધનપુરના પ્રાંત અધિકારીએ ખેડૂત સાથે વિશ્વાસઘાત કર્યો છે અને જયાં સુધી સમગ્ર હકીકત બહાર નહીં આવે ત્યાં સુધી આ પરીવારે ગાંધી ચિંધ્યા માર્ગે અમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી કલેકટર કચેરી ખાતે ધરણાં ઉપર બેઠા હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here