- Advertisement -
સિદ્ધપુર શહેરમાં વોર્ડ નંબર 4 અને 5માં પીવાના પાણીની લાઈનમાંથી માનવ મૃતદેહના અવશેષો મળ્યા બાદ સ્થાનિક લોકોએ પાઈપલાઈન અને ટાંકી બદલવાની માગ કરી છે. શુદ્ધ પીવાનું પાણી આપવાની માગ સાથે આજે આ વિસ્તારની મહિલાઓએ પાલિકા કચેરી પર પહોંચી હલ્લાબોલ કર્યો હતો. સિદ્ધપુર શહેરની ઉપલી શેરી અને લાલ દોશીની શેરીમાંથી દસ દિવસ પૂર્વે એક યુવતીના મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા.
ત્યારબાદ લોકોને પાઈપલાઈન મારફત પાણી આપવાનું બંધ કરાયું હતું અને ટેન્કર મારફત પાણી આપવામાં આવતું હતું. પાલિકા દ્વારા તમામ પાઈપલાઈન અને પાણીની ટાંકીની કેમિકલથી સફાઈ કરી હોવાનો દાવો કરાયો હતો. જો કે, હવે લોકો શુદ્ધ પીવાનું પાણી આપવાની માગ કરી રહ્યા છે અને પાઈપલાઈન અને ટાંકી બદલવાની માગ કરી રહ્યા છે. આજે મહિલાઓએ પાલિકા કચેરીમાં થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.