એસટી વિભાગ દ્વારા કોઈ કારણોસર અમુક બસના રૂટ બંધ કરવામાં આવ્યા છે. જેના કારણે અનેક મુસાફરોને હાલાકી પડી રહી છે. ત્યારે સીધ્ધ્પુર-સોમનાથ રૂટની બસ જે વાયા પાટડી, દસાડાથી ચાલતી હતી. તે બસ બંધ કરવામાં આવતા મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આ બસ ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સીધ્ધ્પુર ડેપોની સીધ્ધપુર-સોમનાથ રૂટની એસટી બસ જે છેલ્લા એક વર્ષથી શરૂ કરવામાં આવી હતી. તે બસ તાજેતરમાં એસટી વિભાગ દ્વારા કોઈ કારણોસર બંધ કરીને વાયા મહેસાણા, બહુચરાજી, વિરમગામ થઈને શરૂ કરવામાં આવી છે. આ બસ સીધ્ધપુરથી બપોરે ૩ કલાકે ઉપડીને ૪ વાગ્યે મહેસાણાથી બહુચરાજી થઈને સોમનાથ ચાલી રહી છે. જ્યારે આ સમયે મહેસાણા-દ્વારકા બસ બહુચરાજી, વિરમગામ, સુરેન્દ્રનગર થઈ રાજકોટ સુધી આજ સમયે ચાલી રહી છે. આથી આ બસમાં મહેસાણાથી સુરેન્દ્રનગર, રાજકોટ સુધીનો ટ્રાફિક કપાઈ જાય છે. જ્યારે સીધ્ધપુર-દ્વારકા બસ પણ બહુચરાજી, વિરમગામ થઈને ચાલી છે તેમજ મહેસાણા-દ્વારકા બસ પણ વિરમગામ થઈને ચાલે છે. આથી આ બસ સીધ્ધપુરથી બપોરે ૩ વાગ્યે ઉપડીને મહેસાણાથી બહુચરાજી થઈને સાંજે ૭ વાગ્યે પાટડી આવે તો આ બસને સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ અને સોમનાથ તરફ જવાનું ટ્રાફિક મળી શકે છે. તેમજ રીટર્નમાં પણ સોમનાથથી રાત્રે ૯-૦૦ વાગ્યે ઉપડીને રાજકોટ ૧-૦૦ વાગ્યે તેમજ સુરેન્દ્રનગર સવારે ૩-૩૦ વાગ્યે અને પાટડી ૪-૩૦ વાગ્યે આવી મહેસાણા થઈને સીધ્ધપુર સવારે ૯-૦૦ વાગ્યે પહોંચી શકે છે. આથી સીધ્ધપુર-સોમનાથ રૂટની વાયા પાટડી-દસાડા બસ મુસાફરોના હિતને ધ્યાને લઈ રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવે તેવી મુસાફરો અને ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે.