અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી : ડેમોક્રેટ ઉમેદવાર બાઈડને કહ્યું- ભારતીય મૂળના અમેરિકન્સે દેશને આર્થિક રીતે મજબૂત બનાવ્યા, અમે તેમની ચિંતાઓ દૂર કરીશું

0
7

અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા રિપબ્લિકન અને ડેમોક્રેટ પાર્ટીઓ ભારતીય મૂળના અમેરિકન્સ મતદાતાઓને લોભાવવાનો પ્રયાસ કરવામાં કોઈ ખામી રાખવા માંગતી નથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરે છે કે તે ભારતીયોના સૌથી સારા મિત્ર સાબિત થયા છે. બીજી બાજુ જો બાઈડને કહ્યું કે, જો તે રાષ્ટ્રપતિ બનશે તો ભારતવંશીઓની મુશ્કેલીઓનો ઉકેલ લાવવાનો પુરો પ્રયાસ કરશે. બાઈડન જ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પને પડકાર આપી રહ્યા છે.

ભારતીયોના વખાણ

 

બાઈડને મંગળવારે કહ્યું કે, અમેરિકાના આર્થિક વિકાસને વેગ અને દિશા આપવામાં ભારતીય મૂળના લોકોનું મહત્વનું યોગદાન છે. તેમણે સાંસ્કૃતિક રીતે પણ દેશમાં વિવિધતા અને વિકાસને આગળ વધાર્યો છે. અમે દરેક રૂપમાં ભારતીય મૂળના અમેરિકન નાગરિકોની પ્રશંસા કરીએ છીએ. બાઈડને ફાળો ભેગો કરવા માટે યોજાયેલા એક કાર્યક્રમમાં વર્ચુઅલી ભાગ લીધો અને આ દરમિયાન ભારતીયોના વખાણ પણ કર્યા.

ચિંતાઓ દૂર કરીશું

ટ્રમ્પના શાસનકાળમાં H-1B વિઝા અંગે ઘણા પ્રકારની મુશ્કેલીઓ સામે આવી. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના ઘણા નિર્ણય વિરુદ્ધ ભારતીયોએ કોર્ટ સુધી જવું પડ્યું. આ અંગે બાઈડને કહ્યું કે, અમે જાણીએ છીએ કે, H-1B વિઝા અંગે ભારતીય મૂળના લોકોને શું મુશ્કેલીઓ અને ચિંતા છે. અમે તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું. આ ઉપરાંત લીગલ ઈમીગ્રેશનનો મુદ્દો પણ છે. તેના પર પણ ધ્યાન આપવામાં આવશે. સિલિકોન વેલીથી માંડી મોટી કંપનીઓ સુધી ભારતીય સમુદાયના લોકોએ પોતાની મહેનત અને જુસ્સાથી સફળતા મેળવી છે.

ટ્રમ્પ પર કટાક્ષ

રાષ્ટ્રપતિ ટ્રમ્પના શાસનકાળને બાઈડને ખરાબ ગણાવ્યો. કહ્યું- ટ્રમ્પે H-1B મુદ્દે ખોટા પગલા ભર્યા છે અને તેનું નુકસાન દરેકે ભોગવવું પડ્યું છે. આ દરમિયાન વંશવાદી મામલા પણ સામે આવ્યા. ક્લાઈમેટ ચેન્જનો મુદ્દો બહુ મોટો થઈ ગયો છે. હવે માતાપિતા વિચારવા લાગ્યા છે કે આપણે કેવા પ્રકારનું ભવિષ્ય બાળકોને આપવા જઈ રહ્યા છીએ. જો હું રાષ્ટ્રપતિ બનીશ તો મહામારી સામે યોગ્ય રીતે લડત આપીશ. આ સાથે જ અર્થવ્યવસ્થાને યોગ્ય બનાવવાના ઉપાય કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here