US : નાયબ વિદેશ મંત્રીએ કહ્યું- એશિયાને બદલવા માંગે છે ચીન, તેને રોકવામાં ભારત-અમેરિકાની સમજૂતી જરૂરી

0
0

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ચીનનો સાથ મળ્યા પછી હવે અમેરિકાએ પણ ભારતનો સાથ આપવાનો ઈરાદો સ્પષ્ટ પણે જાહેર કર્યો છે. યુએન સુરક્ષા પરિષદની ગુપ્ત બેઠકના દિવસે જ અમેરિકાના નાયબ વિદેશ મંત્રી જોન સુલીવાને દિલ્હીમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. સુલીવાને કહ્યું હતું કે, ભારત અને અમેરિકા 2+2 ડાયલોગ્સ જેવી મહત્વની વાતચીતમાં સામેલ થઈ રહ્યા છે. જેથી એશિયાનું માળખુ બદલવાના ચીનના ઈરાદાને અટકાવી શકાય. સુલીવાને કહ્યું છે કે, બંને દેશો આતંકવાદને ખતમ કરવા મામલે પણ સાથે કામ કરી રહ્યા છે.

સુલીવાને અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયોના સંદેશને આગળ વધારતા કહ્યું છે કે, બંને દેશો પાસે આગળ વધવાનો એક મોકો છે. તેનાથી હિંદ-પ્રશાંત વિસ્તારનું પણ ભલુ થશે. પરંતુ દક્ષિણ પ્રશાંતથી લઈને હિંદ મહાસાગર સુધી ચીનનું વિકાસ મોડલ આ વિસ્તારની શાંતિ ખતમ કરવા માંગે છે. તે પોતાના હિત માટે એશિયાનું માળખુ બદલવા માંગે છે.

ઉપ વિદેશ મંત્રીએ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે ચીન અમુક મહત્વના આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરે. પરંતું અમે એને એવું કરવા માટે મજબૂર ન કરી શકીએ. અમને તે માટે એક સરખી વિચારસરણીવાળા સાથે જોઈએ. ચીન પોતાના મતલબ માટે એશિયાનું માળખુ બદલવા માંગે છે અને ત્યાં જ ભારત અને અમેરિકાની સમજૂતી મહત્વની સાબીત થશે. અમે બંને દેશો આ વાતને ખૂબ સારી રીતે સમજીએ છીએ.

અફઘાનિસ્તાન મુદ્દે થઈ વાતચીત

સુલીવાને જયશંકર સાથે અફઘાનિસ્તાન માટે ચાલુ શાંતિ પ્રક્રિયાના પ્રયત્નો વિશે પણ વાતચીત કરી હતી. હકીકતમાં લાંબા સમયથી અમેરિકા આ મુદ્દા પર માત્ર રશિયા, ચીન અને પાકિસ્તાન સાથે જ ચર્ચા કરતું હતું. પરંતુ અફઘાનિસ્તાનની મહત્વની વેપાર સમજૂતી તરીકે અમેરિકાએ હવે ભારતને પણ આ મુદ્દે સામેલ કરવાનું શરૂ કર્યું છે. તે સિવાય બંને વચ્ચે વેપાર અને રોકાણ મામલે પણ વાતચીત થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here