એક જ તપાસ એજન્સી છતાં 2 લાખ કરોડ વાળા છૂટી ગયા, કોલસાવાળા ફસાઇ ગયા..!

0
0

અંદાજે 2 લાખ કરોડના 2G કાંડના આરોપીઓ એ.રાજા અને કનિમોઝી છૂટી ગયા….!
કોલસા કાંડમાં અટલજી સરકારના મંત્રી દિલીપ રોય પકડાઇ ગયા…!
બન્ને કેસોની તપાસ કરનાર એક જ એજન્સી-સીબીઆઇ
અટલજી સરકારના ફૂલડા ડૂબી ગયા અને ટુજીના પથ્થરો તરી ગયા….?

દિલીપ રાય.. આ નામ અત્યારે રાજકિય રીતે ચર્ચામાં નથી પણ 26 ઓક્ટોબરના રોજ જ્યારે તેમને કોલસા કૌભાંડમાં સજા સંભળાવવામાં આવશે ત્યારે કદાજ લોકોનું ધ્યાન ખેંચાશે કે ઓહ…આ છે દિલીપ રાય કે જેઓ અટલબિહારી વાજપેયીની સરકારમાં કોલસા મંત્રી હતા અને સીબીઆઇ કોર્ટે તેમને સજા ફટકારી છે….!

14 ઓક્ટોબર, 2020ના રોજ દિલ્હીની એક કોર્ટે અટલ સરકારના આ મંત્રીને તથા તે વખતના કેન્દ્ર સરકારના બે ઉચ્ચ અધિકારીઓની સાથે જેમને કોલસાની ખાણ આપવામાં આવી તે ખાનગી કંપનીને દોષિત જાહેર કર્યા. અટલ સરકારના આ કોલસા કાંડની તપાસ કરનાર સીબીઆઇએ આ કેસમાં કોર્ટને અરજ કરી છે કે દોષિતો (અટલ સરકારના પૂર્વ મંત્રી સહિત)ને જન્મટીપની સજા ફટકારવામાં આવે.

1999માં અટલ સરકાર વખતે ઝારખંડમાં કોલસાની એક ખાણ કેસ્ટ્રોન ટેકનોલોજીસ લિ. નામની કંપનીને ફાળવવામાં આવી હતી. જેમાં એવો આરોપ કરાયો હતો જે તે વખતે કે કોલસાની આ ખાણ ફાળવવામાં ભ્રષ્ટાચાર થયો છે, લેતીદેતી થઇ છે. તપાસ સીબીઆઇને સોંપવામાં આવી અને 1999થી લઇને હાલમાં 2020માં એટલે કે 20 વર્ષ બાદ સ્થાનિક કોર્ટે અટલ સરકારના કોલસા મંત્રી દિલીપ રાયને, બે અધિકારીઓ પ્રદિપકુમાર બેનર્જી અને નિત્યાનંદ ગૌતમ અને ખાનગી કંપની અને તેના ડિરેક્ટર મહેન્દ્રકુમાર અગરવાલાને દોષિત જાહેર કર્યા. સીબીઆઇએ સજ્જડ પુરાવા રજૂ કર્યા હશે જેથી તેના આધારે પૂરવાર થયું કે મંત્રી સહિત અન્ય અધિકારીઓએ કોલસાની ખાણ આપવામાં ભ્રષ્ટાચાર આચર્યો છે.

કાયદાકિય તજજ્ઞો અનુસાર, આવા કેસમાં મહત્તમ સજા 4 વર્ષની છે. છતાં સીબીઆઇએ પૂર્વ મંત્રી સહિત સૌને આજીવન કેદની સજા આપવાની માંગણી કોર્ટમાં કરી છે. બની શકે કે તપાસ એજનસીએ આ કેસમાં એવી તપાસ કરી કે તે વખતના કેન્દ્રના મંત્રી પણ છટકી શક્યા નથી. પણ આ જ સીબીઆઇને યુપીએ સરકાર વખતના 2 લાખ કરોડના ટુજી સ્પેક્ટ્રમની તપાસ સોંપવામાં આવી અને કેન્દ્રમાં ભાજપની સરકાર છતાં દિલ્હીની કોર્ટમાં મનમોહન સરકારના ટેલિકેમ મંત્રી એન્ડીમુથુ રાજા કે જેઓ એ.રાજા તરીકે ઓળખાય છે તેઓ અને ડીએમકેના સાંસદ કનિમોઝી આરામથી પુરાવાના અભાવે બાઇજ્જત બરી હો ગયે…..

ટુજી સ્કેમ અને કોમનવેલ્થ કાંડ, આદર્શ કાંડ, કોલસા કાંડ જેવા યુપીએ સરકારના કારનામાઓને 2014ની ચૂંટણીમાં ગજવી ગજવીને ભાજપે સત્તા મેળવી. પણ દિલ્હીની સીબીઆઇ કોર્ટમાં જ્યારે બે કે ત્રણ વર્ષ પહેલા એ.રાજા અને મહિલા સાંસદ કનિમોઝી પુરાવાના અભાવે છૂટી ગયા ત્યારે કહે છે કે કોર્ટે એવું નેંધ્યું હતું કે જજશ્રી રોજ કોર્ટમાં હાજર રહીને સીબીઆઇ ખૂબ ગાજેલા આ કેસમાં સજ્જડ પુરાવા રજૂ કરશે…પરંતુ સજ્જડ પુરાવા તો દૂર એક દિવસની સજા થાય એવો પણ પુરાવો કોર્ટમાં રજૂ ના થઇ શક્યો અને અંદાજે 2 લાખ કરોડ (યાદ રહે 2 લાખ કરોડ) કાંડમાં મનમોહન સરકારના મંત્રી છૂટી ગયા અને અટલ સરકારના કોલસા મંત્રી દિલીપ રાય કોલસા કાંડમાં ભેરવાઇ ગયા અને હવે જ્યારે તેઓ દોષિત ઠર્યા છે ત્યારે તેમને સજા તો થશે જ, અલબત્ત આજીવન કે અમુક વર્ષ એ તો 26મીએ જ જાહેર થશે. પણ અટલ સરકારના મંત્રી દિલીપ રાય દોષિત અને મનમોહન સરકારના મંત્રી એ. રાજા રાજાની જેમ બાઇજ્જત બરી થઇને છૂટા ફરે….તેની સરખામણી અને ચર્ચા દિલ્હીના રાજકિય વર્તુળોમાં શરૂ થાય તો કહેવાય નહીં.

કહેનારા તો એમ પણ કહેશે કે હાલમાં તો કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને અટલજીના નામને દાગ ના લાગે તેમ ઇચ્છે તે સ્વાભાવિક છે ત્યારે કોલસા મંત્રી રાયને બચાવવાના પ્રયાસો નહીં થયા હોય….? કોર્ટ જ્યારે અટલ સરકારના આ મંત્રીને સજા જાહેર કરશે ત્યારે દેખીતી રીતે જ તેમાં અટલજીનું નામ પણ વગોવાઇ શકે. જેમ ટુજી કાંડમાં મનમોહન સરકાર વગોવાઇ ગઇ તેમ માન. અટલજીની સરકારને પણ દાગ લાગી શકે. અટલ સરકારના મંત્રી દિલીપ રાયે કેટલા કરોડ લીધા કે કેટલો ભ્રષ્ટાચાર થયો તેની વિગતો જાહેર થઇ નથી. બની શકે કે આંકડો કરોડોમાં જ હોઇ શકે. પણ એ. રાજાની જેમ બે લાખ કરોડ તો નહીં જ હોય.

તે વખતે વિપક્ષો દ્વારા બે લાખ કરોડનો જ આંકડો અપાયો હતો અને ઇન્ડિયન એક્સપ્રેસ નામના એક અંગ્રેજી અખબારે તો 2 લાખ કરોડમાં કેટલા મિંડા આને તે પહેલા પાને મુખ્ય મથાળામાં પ્રસિધ્ધ કર્યું હતું….! ટુજી, હાલમાં મોબાઇલ સંદેશા વ્યવહારમાં 4જી છે અને 5જીની તૈયારી છે ત્યારે 2012માં ટુજીની હરાજીનો મામલો કેગ દ્વારા જાહેર થયો હતો. ઓછી કિંમતે હરાજીથી સરકારને 1.76 લાખ કરોડનું નુકશાન થઇ શકે, એવો ઉલ્લેખ તે વખતના કેગ વિનોદ રાય દ્વારા જાહેર થતાં જ વિપક્ષોએ મનમોહન સરકાર સામે તેને ભ્રષ્ટાચારનો મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. પરંતુ 2014માં ભાજપને સત્તા મળી અને ત્યારબાદ ટુજી કાંડ કેસમાં સીબીઆઇ એ.રાજા અને ડીએમકેના મહિલા સાંસદ કનિમોઝીની સંડોવણીના કોઇ પુરાવા શોધી ના શકી કે મેળવી ના શક્યા અને રાજા-મોઝી આજે બહાર છે જ્યારે અટલ સરકારના મંત્રીની સંડોવણીના એવા સજ્જડ પુરાવા સીબીઆઇએ મેળવ્યાં કે દિલીપ રોયને, જો ઉપલી અદાલત દ્વારા તાત્કાલિક જામીન મળે તો ઠીક નહીંતર જેલના સળિયા ગણાવા પડે તેમ છે. તપાસ એજન્સી એક જ. બન્ને કેસની સુનાવણી વખતે કેન્દ્રમાં એક જ પક્ષની સરકાર છતાં મનમોહનવાળા છૂટી ગયા અને અટલજીવાળા પકડાઇ ગયા…..!!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here