વરસાદ પછી તારાજી:દ્વારકાનુ રાવલ ગામ આઠમી વખત બેટમાં ફેરવાયું, બાબરામાં કોઝવે પર પાણી ભરાતા લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર

0
0
  • ભારે વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બની, અનેક ગામો સંપર્ક વિહોણા બન્યાં
કલ્યાણપુરના રાવલ ગામમાં ગોઠણસમા પાણી ભરાયા છે, લોકોને હાલાકી પડી રહી છે

દ્વારકા જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાનુ રાવલ ગામ આઠમી વખત બેટમાં ફેરવાયું છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડતા બાબરાના નિલવડાના કોઝવે પર પાણી ફરી વળ્યું હતું. જેથી લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર બન્યા હતા. બીજી તરફ ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદના પગલે સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ હતી. જેથી ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ સાથે જ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. રાજકોટમાં ગઈકાલે પડેલા વરસાદ બાદ મોડી રાત્રે 2 ઈંચ વરસાદ પડ્યો છે.

રાવલ ગામનુ બસ સ્ટેન્ડ 4 ફુટ પાણીમાં ગરકાવ
દ્વારકા સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે વર્તુ-2 ડેમ, સોરઠી ડેમ અને સોની ડેમના પાણી કલ્યાણપુરના રાવલ ગામમાં ઘૂસી ગયા હતા. જેથી રાવલ ગામ આઠમી વખત બેટમાં ફેરવાયું છે. ગત મોડી રાત્રે પાણી ભરાવાનું શરૂ થઈ જતા રાવલ ગામનુ બસ સ્ટેન્ડ 4-4 ફુટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. રાવલ ગામ તરફ જતા તમામ માર્ગ બંધ થઈ ગયા છે. જો આજે વરસાદ વિરામ લેશે તો સાંજ સુધીમાં પાણી ઓસરી જાય તેવી શક્યતા છે.

બાબરામાં ગોઠણસમા પાણીમાંથી વાહનો સાથે લોકો કોઝવે પસાર કરી રહ્યાં છે

બાબરાના નિલવડાના કોઝવે પર પાણી ફરી વળ્યાં
અમરેલી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના પગલે સ્થાનિક નદીનું પાણી નિલવડાના કોઝવે પર પાણી ફરી વળ્યું હતું. જેથી લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈને કોઝવે પાર કરવો પડી રહ્યો છે. ગોઠણસમા પાણીમાંથી વાહનો સાથે લોકો કોઝવે પસાર કરી રહ્યાં છે. બાબરા આવવા જવા માટેનો આ એક રસ્તો જ હોવાથી નિલવળા, સમઢીયાળા, વાંકીયા સહિતના ગામો બાબરાથી સંપર્ક વિહોણા થઈ ગયા હતા

ગીર પંથકમાં વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાય ગયા છે, પાક નિષ્ફળ જવાની ચિંતા

સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા ખેતરોમાં પાણી ભરાયા
ગીર સોમનાથ જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા નદીના પાણી ખેતરોમાં ભરાયા હતા. સરસ્વતી નદીની પુલ પરની રેલીંગ તૂટી જતા પાણી ખેતરોમાં ઘૂસી ગયા હતા. જેથી તમામ પાક નિષ્ફળ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભારે વરસાદના પગલે હરસાણા, લાટી સહિતના ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા.બીજી તરફ વેરાવળમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નગરપાલિકાની બેદરકારીના કારણે ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી ગયું છે. જેથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. પાણી ભરાયેલા વિસ્તારોમાં ધારાસભ્ય વિમલ ચુડસમા દોડી ગયા હતા અને સમગ્ર પરિસ્થિતનો ચિતાર મેળવ્યો હતો.

ભાવનગરમાં વરસાદના પગલે નદી-નાળા છલકાયા અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે

ભાવનગર જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા
ભાવનગર જિલ્લામાં સતત પડેલા વરસાદના પગલે પાકને નુકસાન થયું છે. જો વરસાદ અટકશે નહીં તો લીલો દુકાળ પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ભાલ પંથકના રંઘોળી, ઘેલો અને કાળુભાર નદીના પાણી ફરી વળતા ભાણગઢ, પાળીયાદ, દેવળિયા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. નદીના પાણી ગામમાં ઘુસી જતા તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે.

શેત્રુંજી ડેમના 15 દરવાજા ખોલાયા
ભાવનગર જિલ્લામાં વરસાદના પગલે નદી નાળા છલકાયા છે.સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધતા 15 દરવાજા ખોલવામાં આવ્યાં છે. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે.

બોટાદનું સુરકા ગામ સંપર્ક વિહણુ
ગઈકાલે પડેલા વરસાદને લઈને બોટાદનું સુરકા ગામ સંપર્ક વિહોણુ થયું છે. વરસાદના પગલે નદીઓમાં પૂર આવતા ઉગામેડીથી સુરકા જવાનો પુલ તુટી ગયો હતો. જેથી અવરજવર બંધ થઈ ગઈ હતી. બીજી તરફ ગઢડાના પીપરડી ગામે એક સાથે 4 મકાન ધરાશાયી થઈ હતા. જો કે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી.

રાજકોટની સિવિલમાં પાણી ભરાતા મેડિકલ વેસ્ટ તરતો જોવા મળ્યો હતો

રાજકોટ સિવિલના OPD વિભાગના સેલરમાં પાણી ભરાયુ
રાજકોટની સિવિલ હોસ્પિટલના OPD વિભાગના સેલરમાં પાણી ભરાયું છે. પાણી ભરાતા મેડિકલ વેસ્ટ તરતો જોવા મળ્યો હતો. મહત્વનું છે કે સિવિલમાં દર્દીઓ સાજા થવા આવે છે પણ પાણી ભરાવાને લઈને લોકો વધુ બિમાર પડે તો નવાઈ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here