કૃષિ બિલના વિરોધમાં રાજકોટમાં કોંગ્રેસ અને કિસાન સંઘનું પ્રદર્શન : 12 ખેડૂતોની ટીંગાટોળી સાથે અટકાયત.

0
6

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કૃષિબિલનો વિરોધ આજે ગુજરાતમાં પણ થઈ રહ્યો છે. ત્યારે આજે રાજકોટ કોંગ્રેસ અને ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ સુત્રોચ્ચાર કરી ખેડૂતોને ન્યાય આપો, જય જવાન જય કિસાન, અમે અમારો હક માગીએ છીએ ભીખ નહીંના સુત્રોચ્ચાર કર્યા હતા. જો કે, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સહિત 12 ખેડૂતોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. કોંગ્રેસ અને કિસાન સંઘે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા અને તાત્કાલિક અસરથી ઉકેલ લાવવા માગ કરી હતી.

કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સહિત 12 ખેડૂતની અટકાયત કરવામાં આવી
કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સહિત 12 ખેડૂતની અટકાયત કરવામાં આવી

 

રાજકોટ કિસાન સંઘે દિલ્હીમાં વિરોધ કરતા ખેડૂતોને ટેકો જાહેર કર્યો

રાજકોટ કિસાન સંઘે કૃષિ બિલના વિરોધમાં દિલ્હીમાં વિરોધ કરતા ખેડૂતોને ટેકો જાહેર કર્યો છે. ભારતીય કિસાન સંઘે આવેદનત્રમાં જણાવ્યું છે કે, આપણા ખેતીપ્રધાન દેશમાં 60થી 70 ટકા લોકો ખેતી અને ખેતપેદાશની સાથે સંકળાયેલો છે. જેઓનો અર્થતંત્રની અંદર સિંહફાળો છે. આપણા દેશના ખેડૂતોમાં તાકાત છે કે દેશને જરૂર પડે તેવું દરેક પ્રકારનું ધાન પેદા કરી આપવાની. છતાં પણ આ સરકારને વિદેશથી મંગાવવાનું મન કેમ થાય? બટેટા, ડુંગળી વિદેશથી મગાવે છે. પામ ઓઈલ ડ્યૂટી ઘટાડી છે. જ્યાં સુધી આ ખાદ્ય પદાર્થની આયાત કરવામાં આવશે ત્યાં સુધી આ દેશનો ખેડૂત ક્યારેય પણ સુખી નહીં થાય.

કિસાન સંઘે વિવિધ બેનર સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો
કિસાન સંઘે વિવિધ બેનર સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો

 

સરકાર MSP કરતા પણ ઓછા ભાવે ખેત પેદાશ વેચવાનું કાવતરૂ ઘડી રહી છે : ખેડૂતો

રાજકોટ જિલ્લા કિસાન સંઘ દ્વારા પણ કિસાન બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા. જુદા જુદા પોસ્ટર બતાવી તેમજ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી કિસાન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ અધિક કલેકટર પરિમલ પંડ્યાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં કિસાન સંઘના હોદ્દેદારો તેમજ ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમને ડર છે કે સરકાર કિસાન બિલ લાવી MSP કરતા પણ ઓછા ભાવે કિસાનની જે જણસી છે તે વેચવાનું કાવતરું ઘડી રહી છે. ત્યારે વિરોધ પ્રદર્શન કરવા આવી પહોંચેલા કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સહિત કુલ 12 જેટલા હોદ્દેદારો તેમજ ખેડૂતોની અટકાયત રાજકોટ શહેર ક્રાઇમબ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી.

પોરબંદરમાં અર્જુન મોઢવાડીયા ટ્રેક્ટર ચલાવી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા
પોરબંદરમાં અર્જુન મોઢવાડીયા ટ્રેક્ટર ચલાવી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા

 

પોરબંદરમાં અર્જુન મોઢવાડીયા ટ્રેક્ટર ચલાવીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા

કૃષિ બિલના વિરોધમાં સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. જામનગર, મોરબીમાં પણ કોંગ્રેસ દ્વારા બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે પોરબંદરમાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા ટ્રેક્ટર ચલાવીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જેમાં કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here