ફાગણી પૂનમે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રાજા રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા હોય છે. પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી ડાકોર પહોંચે છે. ત્યારે હોળી પર્વને લઈને ડાકોર જતાં માર્ગો પર આકરી ગરમીમાં પણ પગપાળા ભક્તોનો પ્રવાહ લાખોની સંખ્યામાં ઊમટી રહ્યો છે.હોળીના પર્વ પર રણછોડરાયજીના દર્શન કરવાનો વિશેષ મહિમા છે. ભગવાન વિશેષ શણગારમાં દિવ્ય સ્વરૂપે ભાવિકોને દર્શન આપે છે. ફાગણી પૂનમ હોવા સાથે જ ભગવાન ભાવિકો સાથે હોળી ખેલે છે. ભગવાન પાંચ વખત નવરંગોનો ખેલ કરે છે અને ભક્તોને હોળી રમાડે છે.
હોળી પર્વને માણવા અને ડાકોરના ઠાકોર સાથે હોળી ખેલવા ડાકોર જતાં માર્ગો પર ભાવિકોનો વિશાળ મહેરામણ ઉમટી રહ્યો છે. ભાવિકો નાચતા ગાતા ડાકોર પહોંચી રહ્યા છે અને રાજાધિરાજના દર્શન કરીને હોળીના પર્વને માણવાનો લ્હાવો લઈ રહ્યા છે. સમગ્ર ડાકોરની ગલીઓ જય રણછોડના નાદથી ગૂંજી ઊઠી રહી છે, મંદિર પરિસરથી લઈ મંદિર જતાં તમામ માર્ગો રંગોથી શોભી ઊઠ્યા છે.