બિહાર : DGP ગુપ્તેશ્વર પાંડેએ લીધું રિટાયરમેન્ટ, લડી શકે છે વિધાનસભા ચૂંટણી

0
4

બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેને વીઆરએસ લઈ લીધી છે. ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ લઇ લીધી છે. નીતિશ સરકારે મંજૂરી પણ આપી દીધી છે. બિહારના ગૃહ વિભાગ (આરક્ષી શાખા)એ આ અંગે નોટિફિકેશ બહાર પાડ્યું. ગુપ્તેશ્વર પાંડેને ગત વર્ષે બિહાર પોલીસના ડીજીપી બનાવવામાં આવ્યા હતા.

ગુપ્તેશ્વર પાંડે આગામી વર્ષ ફેબ્રુઆરીમાં સેવાનિવૃત્ત થવાના હતાં. ગૃહ વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ 22 સપ્ટેમ્બર 2020ના રોજ બપોરથી તેમને સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ આપવામાં આવી છે. તેમણે મંગળવારે જ આ અંગે અરજી કરી હતી. ગુપ્તેશ્વર પાંડેએ વીઆરએસ લીધા બાદ હવે તેમની જગ્યાએ એસ કે સિંઘલને બિહારના નવા ડીજીપી બનાવવામાં આવ્યા છે.

આ બાજુ ગુપ્તેશ્વર પાંડે વિધાનસભા ચૂંટણી લડે તેવી પણ અટકળો થઈ રહી છે. જો કે હજુ સુધી પાંડે આ અંગે કોઈ જાહેરાત કરી નથી. ઉલ્લેખનીય છે કે ફિલ્મ અભિનેતા અને પટણાના રહીશ સુશાંત સિંહ રાજપૂતના શંકાસ્પદ મોત મામલે પાંડે દેશભરમાં પોતાના નિવેદનને લઈને ખુબ ચર્ચામાં રહ્યા હતાં. ત્યારથી એવી અટકળો થઈ રહી હતી કે પાંડે બિહારમાં વિધાનસભા ચૂંટણી લડશે.