ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની 59મી મેચ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે રમાઈ હતી. આ મેચ ગુજરાતની ટીમે 35 રને જીતીને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. આ મેચમાં ભલે ચેન્નઈ સુપર કિંગ્સને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ફરી એકવાર ચાહકોને ધોનીની તોફાની બેટિંગ જોવા મળી.
ધોની આઠમાં નંબર પર બેટિંગ કરવા આવ્યો
ચેન્નઈના ફેન્સ માટે સ્થળ કોઈપણ હોય પણ ધોનીની એક ઝલક જોવા માટે હંમેશા આતુર રહેતા હોય છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ ધોનીએ જ્યારે ક્રીઝ પર આવતા જ છવાઈ ગયો હતો. આ મેચમાં ધોની ફરી એકવાર આઠમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. મેચ દરમિયાન ધોનીનો એક ફેન પણ મેદાનમાં આવી પહોંચ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે ધોનીની જેવી જ મેદાનમાં એન્ટ્રી થઈ કે સ્ટેડિયમ ધોની-ધોનીથી ગૂંજી ઉઠ્યું હતું.
ફેન મેદાનમાં જ થાલાને પગે લાગ્યો
ગુજરાત સામેની મેચમાં એમએસએ 26 રનની અણનમ તોફાની ઇનિંગ રમી હતી. ધોનીએ પોતાની ઇનિંગ દરમિયાન ત્રણ ગગનચૂંબી છગ્ગા પણ ફટકાર્યા હતા. તેમાંથી માહી દ્વારા રાશિદ ખાનની ઓવરમાં સતત 2 સિક્સર ફટકારવામાં આવી હતી. જ્યારે ધોની મેચની છેલ્લી ઓવરમાં બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ધોનીનો એક જબરો ફેન સ્ટેડિયમમાંથી સીધો મેદાનમાં ઘસી આવ્યો હતો. આ પછી ચાહક થાલાને પગે લાગ્યો હતો. ધોનીએ પણ પોતાના ફેનને નિરાશા ન થવા દીધો અને ગળે લગાવ્યો હતો.