નવસારી : હીરાનું કારખાનું ચલાવનાર વેપારી મંદીને પગલે 60 લાખના હીરાનો લૂંટારૂ બની ગયો

0
20

નવસારી મિની ડાયમંડ સિટી તરીકેની ઓળખ ધરાવે છે. સુરત પછી નવસારીમાં હિરા ઉદ્યોગ ફુલ્યો ફાલ્યો હતો પરંતુ નોટબંધી પછી નવસારીના હિરા ઉદ્યોગમાં પણ મંદીનો માહોલ છવાયો છે. કેટલાય રત્નકલાકારોએ પોતાનો વ્યવસાય બદલી નાંખ્યો છે તો વેપારીઓ પણ આ ઉદ્યોગથી ઉચાટભરી રહ્યા છે. મંદીના ખપ્પરમાં હોમાય રહેલા હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા બનાસકાંઠાના મૂળ વતની અને નવસારીમાં જ હિરાનો વેપાર અને રત્નકલાકાર તરીકે કામ કરનારા આજે લૂંટારૂ બની ગયા છે. લૂંટની ઘટનામાં ઝડપાયેલા લૂંટારૂ એક સમયનો હિરાનો નાનો વેપારી છે. મંદીના કારણે એક નાનો વેપારી આખરે લૂંટારૂ બની ગયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે ધરપકડ કરી રૂ. 60 લાખના હિરાની લૂંટનો ભેદ ઉકેલ્યો છે, જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે.

બાઈક અથડાવીને નજર ચુકવી હીરા ભરેલી બેગની લૂંટ કરી હતી

નવસારીમાં 21મી જાન્યુઆરીએ અજીત સોસાયટી પાસે હીરાનાં વેપારી સુરેશ શાહ પોતાના ઘરે મોપેડ ઉપર જતા હતા ત્યારે એક બાઈક ચાલકે તેની સાથે બાઈક અથડાવીને બોલચાલી કરતા ત્યાં બીજા બે યુવાનો આવીને તેમની પાસેથી રૂ. 60 લાખ હીરા ભરેલા બેગની લૂંટ કરીને ભાગી ગયા હતા. નવસારી ટાઉન પીઆઈ મયુર પટેલ અને તેમની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. તેમને મળેલી બાતમીને આધારે આ હીરાની લૂંટનો એક આરોપી હીરા ચૌધરીને શાંતાદેવી રોડ ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે 4 દિવસમાં જ હીરાની લૂંટનાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આ સમગ્ર ઘટના હીરામાં આવેલી મંદીને કારણે હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા 4 લોકો આ ઘટનામાં સામેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું. રૂ. 60 લાખની હીરાના બેગની લૂંટની ઘટનાને પગલે રેંજ આઈજી રાજકુમાર પાંડિયન પણ મોડી રાત્રિએ નવસારી ધસી આવ્યા હતા.

લૂંટનો ભોગ બનનાર અને લૂંટનો મુખ્ય આરોપી બંને મૂળ બનાસકાંઠાના જ

પોલીસે આ ગુનાને ત્રણ દિવસમાં ઉકેલી કાઢીને ઘટનામાં સંકળાયેલ હીરાભાઈ ચૌધરી (રહે. શ્રીજી રેસિડન્સી, શાંતાદેવી રોડ, નવસારી)ની બાતમીને આધારે ઝડપી પાડ્યો હતો. હીરા ચૌધરીએ આ ઘટનાનો મુખ્ય સુત્રધાર પરબત દેસાઈ (રહે. બનાસકાંઠા)હોવાની અને લૂંટમાં અન્ય મેહુલ બારોટ અને હરજી ચૌધરી હોવાનું જણાવતા પોલીસે ત્રણેયને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ લૂંટને પગલે હિરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ આ ઘટના અંગે ઉપયોગી માહિતી આપી હતી. પોલીસે આ લૂંટમાં રૂ. 60 લાખ પૈકી રૂ. 56.83 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. વધુ તપાસ ટાઉન પીઆઈ પીઆઈ મયુર પટેલ કરી રહ્યા છે. નવસારીમાં હિરાની લૂંટનો આરોપી નવસારીનો હીરા નામનો યુવક જ નીકળતા નવસારીમાં ભારે રમૂજ થઈ હતી. આ ઘટનામાં લૂંટનો ભોગ બનેલો હિરાનો વેપારી સુરેશ શાહ પણ મૂળ બનાસકાંઠાનો અને લૂંટને અંજામ આપનારા આરોપી પણ બનાસકાંઠાના જ હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

આ રીતે હિરાની લૂંટનો ભેદ ઉકેલાયો

નવસારીમાં 21મી જાન્યુઆરીએ લૂંટ કર્યા બાદ ત્રણ આરોપીઓએ લૂંટનો મુદ્દામાલ મુખ્ય સુત્રધાર પરબત દેસાઈ (રહે. વિજલપોર, મૂળ ધાનેરા, બનાસકાંઠા)ને આપ્યો હતો. 23મીએ પરબત દેસાઈ આ હીરા લઈને અલકાપુરી વિજલપોર ખાતે નટવર નાઈનાં સલુનમાં વાળ કપાવવા ગયો હતો. પરબત દેસાઈ પાસે પૈસા ન હોય તેણે નટવરને કહ્યું કે આ થેલી તું હમણાં રાખ હું પૈસા લઈને આવું છું. તેમ કહી થેલી આપીને ગયો હતો. બીજા દિવસે પૈસા આપવા ન આવતા નટવર નાઈને શંકા જતા આ થેલી ખોલીને જોતા તેમાં હિરાનાં પડીકા હતા. તેણે તે ટાઉન પોલીસ મથકે જમા કરાવ્યા હતા. પોલીસે તેને આધારે લૂંટની તપાસ કરતા અને હીરા ચૌધરી (રહે. શાંતાદેવી રોડ)ની બાતમીને આધારે ઝડપી પાડ્યો હતો.

ચાર દિવસમાં લૂંટનો ભેદ ઉકેલાયો

60 લાખની હિરાની લૂંટના મુખ્ય માસ્ટર માઈન્ડ પરબત દેસાઈ (બનાસકાંઠા)એ નવસારીમાં હિરાની 4 ઘંટી ચલાવતો હતો. હીરા ચૌધરીએ તેના કારીગર મેહુલ બારોટ અને હરજી ચૌધરી સાથે મળી લૂંટ કરવાનો પ્લાન ઘડ્યો અને રેકી કરી અને 3000 કેરેટનાં હિરા રૂ. 60 લાખની લૂંટને અંજામ આપ્યો હતો પરંતુ 23મી જાન્યુ.એ વિજલપોરના નાઈની દુકાનેથી મળેલી બેગમા 42 હિરાના પડીકામાં કુલ 2841.66 કેરેટનાં હીરા રૂ. 56.83 લાખના હીરા મળી આવ્યા હતા. ઘટનામાં હિરાનાં વેપારીઓએ પણ માહિતી આપી હતી. ત્રણ આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. ઘટનામાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ મુકેલા સીસીટીવીનાં ફૂટેજના આધારે સ્કેચ બનાવ્યા તેથી મદદ થઈ હતી. > ડો. ગિરીશ પંડ્યા, એસપી, નવસારી

લૂંટ માટે બાઈક પણ અન્ય મિત્રની લાવ્યા

આ લૂંટની ઘટનામાં લૂંટારૂઓ મોટાભાગે હિરાનાં વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને તેઓ આર્થિક મંદીમાં સપડાયેલા હોય તેમની પાસે લૂંટને અંજામ આપવા બાઈક પણ ન હતી. આ બાઈક હીરા ચૌધરીએ તેમના મેવાભાઇ નામના મિત્ર પાસે પુત્રને અછબડા થયા હોય પીછી નંખાવવા જવાનો હોવાની કહી માંગી હતી. તે બાઈક પણ મુખ્ય સુત્રધાર પરબત દેસાઈ લઈ ગયો અને પરત ન આપ્યાનું જણાવ્યું હતું.

બીજા દિવસે પરબત ન આવતા થેલી ખોલતા ડબ્બામાંથી હીરા નીકળ્યા

વાળંદ નટવર નાઈએ જણાવ્યું હતું કે, મારી દુકાને તા.23 જાન્યુઆરીએ પરબત દેસાઈ વાળ કપાવ્યા અને કલર કરાવવા આવ્યો હતો. તેના વાળ કાપવાના અને કલર કરાવવાના રૂ. 120 થયા હતા. મેં તેમની પાસે નાણાં માંગતા તેણે પૈસા ન હોવાનું જણાવ્યું હતું. જેથી મેં મોબાઈલ આપો તેમ જણાવતા તેણે કહ્યું કે મારી પાસે મોબાઈલ નથી. મારી પાસે થેલીમાં માલ છે તે અહીં મુકી જાઉ છું અને નાણાં આપી તે હું છોડાવી જઈશ એવું જણાવ્યું હતું, પરંતુ તે બીજા દિવસે ન આવતા મને લાગ્યું કે થેલીમાં કદાચ દારૂ હોઈ શકે જેથી થેલીમાં તપાસતા તેમાં બે ડબ્બા જણાયા હતા. ડબ્બામાં તપાસ કરતા હિરા હોય ભાઈને લઈને પોલીસ સ્ટેશને જઈ જમા કરાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here