આણંદ પાસેના ચીખોદરાના ધડસાપુરામાં છેલ્લા બે દિવસથી ઝાડા-ઉલ્ટીના કેસો પ્રકાશમાં આવતા જિલ્લા વિકાસ અધિકારી આજે ધડસાપુરા ખાતે દોડી ગયા હતા અને અસરગ્રસ્ત સ્થળોની તથા દર્દીઓની મુલાકાત લીધી હતી.
છેલ્લા બે દિવસથી ચીખોદરાના ધડસાપુરા વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. ધડસાપુરામાં ઝાડા-ઉલ્ટીના છેલ્લા બે દિવસ દરમ્યાન ૨૦થી વધુ કેસ નોંધાયા હતા. સાથે સાથે એક વૃધ્ધા સહિત બે વ્યક્તિના રોગચાળાના કારણે શંકાસ્પદ મૃત્યુ નીપજ્યા હોવાનું પણ ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. પેટલાદ તાલુકાના સીલવાઈ ગામમાં થોડા દિવસ પૂર્વે રોગચાળો વકર્યો હતો અને પરિસ્થિતિ માંડ માંડ થાળે પડી છે ત્યારે ચીખોદરાના ધડસાપુરામાં પણ ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાતા ગત રોજ જિલ્લા વિકાસ અધિકારીએ ચીખોદરાના તલાટીની તાત્કાલીક અસરથી બદલી કર્યા બાદ આજે જિલ્લા વિકાસ અધિકારીએ ધડસાપુરાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. તેઓએ ફરજ પર હાજર તમામ આરોગ્યકર્મીઓ, સરપંચ, વિસ્તરણ અધિકારી સાથે ખાસ મિટીંગ યોજી હતી અને ઝાડા-ઉલ્ટીના ક્સો અંગે ચર્ચા કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી. સાથે સાથે ગામમાં જ્યાં પાણી લીકેજીસ હોય ત્યાં તાત્કાલિક રીપેરીંગ કરવા અને દર્દીઓને તાકીદે સારવાર આપવા સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ આણંદ ખાતે સારવાર લઈ રહેલ દર્દીઓની તેઓએ રૂબરૂ મુલાકાત લીધી હતી.