ભાવ વધારો : દિલ્હીમાં 19મા દિવસે ડીઝલ મોંઘું, ભાવ 80 રૂપિયાને પાર

0
4

નવી દિલ્હી. ડીઝલના ભાવમાં સતત 19મા દિવસે વધારા બાદ દિલ્હીમાં ગુરુવારે ડીઝલનો ભાવ પહેલીવાર લિટરે 80 રૂ.ને પાર ગયો. દિલ્હીમાં ડીઝલનો ભાવ લિટરે 14 પૈસા વધીને 80.02 રૂ. થઇ ગયો છે જ્યારે પેટ્રોલનો ભાવ સતત 17 દિવસ વધ્યા બાદ બુધવારે નહોતો વધ્યો પણ ગુરુવારે તેનો ભાવ પણ લિટરે 16 પૈસા વધીને 79.92 રૂ. થઇ ગયો છે.

ઓઇલ કંપનીઓએ સતત 82 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ ન વધાર્યા બાદ 7 જૂનથી ભાવ રોજેરોજ નક્કી કરવાની ડાયનેમિક પ્રાઇસિંગ વ્યવસ્થા શરૂ કરી છે. ત્યારથી અત્યાર સુધીમાં દિલ્હીમાં ડીઝલ લિટરે 10.63 રૂ. અને પેટ્રોલ 8.66 રૂ. મોંઘું થઇ ચૂક્યું છે.

બુધવારે દિલ્હીમાં ડીઝલ પહેલી વાર પેટ્રોલથી મોંઘું થયું હતું. પેટ્રોલ-ડીઝલનો ભાવ સ્થાનિક વેટના દર પ્રમાણે જુદાં-જુદાં રાજ્યોમાં જુદો-જુદો છે. અન્ય રાજ્યોમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચે હવે બહુ તફાવત રહેવા પામ્યો નથી. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આ માટે ઠેકઠેકાણે દેખાવો યોજાઈ રહ્યા છે.