- Advertisement -
ભાવનગર પોસ્ટ વિભાગ દ્વારા નવા એટીએમ કાર્ડ છેલ્લા લાંબા સમયથી ઇસ્યુ થતા નથી કે રીન્યુ પણ થતા નથી. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં હેડ ઓફીસ ભાવનગર ખાતે એકમાત્ર પોસ્ટનું એટીએમ મશીન મુકવામાં આવ્યું છે જેને લઇ ગ્રાહકોમાં અસંતોષની લાગણી ફેલાવા પામી છે.
હાલના ઓનલાઇન ફ્રોડના વ્યાપક બનાવ અને ખોટી કંપનીઓના કારણે મોટો વર્ગ બેન્કમાં કે પોસ્ટમાં ડિપોઝીટ રોકવા તરફ વળ્યા છે અને વિવિધ રોકાણોમાં એક વર્ષથી લઇ પાંચ વર્ષ સુધીનું રોકાણ કે રીકરીંગના ખાતા ખોલાવાય રહ્યા છે. પરંતુ આ ગ્રાહકોને સંતોષ પણ મળવો જોઇએ તેવી સર્વિસ પોસ્ટ વિભાગ દ્વારા મળવી જોઇએ. હાલ એટીએમ કાર્ડ એ સૌ કોઇ માટે પૈસા મેળવવા સરળ ઉપાય છે. પરંતુ ભાવનગર પોસ્ટ વિભાગ દ્વારા છેલ્લા લાંબા સમયથી ગ્રાહકોને નવા એટીએમ કાર્ડ ઇસ્યુ થતા નથી અને જેના કાર્ડ અપાયા છે તે એક્સપાયર થઇ ચુક્યા છે તેને નવા કાર્ડ પણ મળતા નથી ત્યારે ઉપયોગ કરવો પણ શક્ય બનતો નથી. આ અધુરૂ હોય ભાવનગર જિલ્લાના ૧૦ તાલુકા વચ્ચે ભાવનગર શહેરમાં મુખ્ય પોસ્ટ ઓફીસ પાસે એકમાત્ર પોસ્ટનું એટીએમ મશીન મુકવામાં આવેલ છે જેથી મોટાભાગના પોસ્ટ એટીએમ કાર્ડ ધારકોને અધર બેન્કના મશીનમાંથી પૈસા ઉપાડવાનો વારો આવે છે અને તેમાં પણ ત્રણ ટ્રાન્જેક્શન બાદ પૈસા કપાત થતા હોય કાર્ડ હોવા છતાં એટીએમ મશીનના અભાવે વધારાનો ખર્ચ ભોગવવો પડી રહ્યો છે. ત્યારે નવા એટીએમ કાર્ડ આપવા તેમજ પોસ્ટ એટીએમ મશીનની સંખ્યા વધારવા પણ આમ જનતામાં અને ગ્રાહકોમાં માંગણી ઉઠવા પામી છે.