ગાજિયાબાદના કવિનગર વિસ્તારના મહેન્દ્રા એન્ક્લેવના એફ બ્લોકમાં કપલની લાશ મળતા હડકંપ મચી ગઈ હતી. પોલીસે રુમનો દરવાજો તોડીને લાશ જપ્ત કરી છે. બંનેના મોબાઈલ બેડ પર પડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બંનેની વચ્ચે ત્રણ વર્ષથી અફેર હતું.
સંબંધમાં બંને ભાઈ-બહેન થતાં હતા. બંને ફર્રુખાબાદના રહેવાસી હતા. બંનેએ 17 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં લગ્ન કર્યા હતા. આ લગ્નથી પરિવારના લોકો ખુશ નહોતા. પરિવારે બંનેને લગ્ન નહીં કરવા માટે ખૂબ સમજાવ્યા, પણ તેઓ માન્યા નહીં. મૃતક પીયૂષનું કહેવું હતું કે, તે નિશા સાથે જ જિંદગી જીવશે.
પીયૂષ છેલ્લા ત્રણ વર્ષથી નિશા પુખ્તવયની થાય તેની રાહ જોઈ રહ્યો હતો. પરિવારને શંકા ન જાય એટલા માટે એકબીજાને મળતા રહ્યા પણ કોઈને પોતાનો ઈરાદો જણાવ્યો નહીં. ઓક્ટોબર 2023માં દિવાળીના સમયે બંને એકબીજા સાથે શોપિંગ કરવા ગયા તો પાડોશીને ખબર પડી ગઈ. પરિવારને બંનેના પ્રેમ પ્રસંગની જાણ થઈ તો પગ તળેથી જમીન સરકી ગઈ. બાદમાં નિશા જેવી પુખ્તવયની થઈ કે બંનેએ લગ્ન કરી લીધા.
પરિવારની ધમકીના કારણે તેમણે ઘર છોડી દીધું અને ગાજિયાબાદના કવિનગરમાં આવીને ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. પીયૂષ મજૂરી કરતો હતો. પોલીસનું કહેવું છે કે, નિશાની ઉંમર 18 વર્ષ હતી, જ્યારે પ્રેમી પીયૂષની ઉંમર 21 વર્ષ છે. બંને એક જ પરિવારના છે. આરોપ છે કે નિશાના 3 મોટા ભાઈ અને પિતા ધમકી આપી રહ્યા હતા. બંનેના મોબાઈલ ફોન પર અલગ અલગ નંબરથી કોલ આવેલા જોવા મળ્યા. બંનેની લાશ મળ્યા બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ડીએસપી સિટી રાજેશ કુમારે જણાવ્યું કે, નિશા-પીયૂષ સંબંધમાં પિતરાઈ ભાઈ બહેન હતા. બંને 16 ફેબ્રુઆરીના રોજ ઘરેથી ગુમ થયા હતા. 17 ફેબ્રુઆરીના રોજ બંનેએ ગાજિયાબાદ કોર્ટમાં લગ્ન કર્યા હતા. નિશાનો પરિવાર આ લગ્નથી ખુશ નહોતા. આ મામલે તપાસ થઈ રહી છે. બંનેના પરિવાર સાથે પૂછપરછ ચાલી રહી છે.