સ્વ.કેશુબાપાનાં અસ્થિનું સોમનાથ ત્રિવેણી સંગમમાં વિસર્જન, પરિવારની ઉપસ્થિતિમાં પુરોહિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-મંત્રોચ્ચાર કરવામાં આવ્યા

0
20

સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનાં અસ્થિનું વિસર્જન આજે સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટ પર કરાયું હતું. ગત રાત્રે જ સ્વ. કેશુબાપાનાં પરિવારજનો સોમનાથ આવી પહોંચ્યાં. આજે વહેલી સવારે સોમનાથ ટ્રસ્ટ અને સ્વ. કેશુબાપાનાં પરિવારજનો દ્વારા અસ્થિવિસર્જન કરાયું હતું. સોમનાથ ટ્રસ્ટના તીર્થ પુરોહિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઘાટ પર મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અસ્થિવિસર્જન વિધિ દરમિયાન કેશુભાઈ પટેલના ત્રણે પુત્રો ભરતભાઈ, અશોકભાઈ અને મહેશભાઈ હાજર રહ્યા હતા.

સોમનાથ ટ્રસ્ટના તીર્થ પુરોહિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી.
(સોમનાથ ટ્રસ્ટના તીર્થ પુરોહિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી.)

 

સ્વ.કેશુબાપાએ સોમનાથ ટ્રસ્ટમાં સૌથી વધુ સમય સેવા આપી હતી

સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પોતાના રાજકીય કાર્યકાળ બાદ સોમનાથ ટ્રસ્ટમાં સૌથી વધુ સમય સેવા આપી હતી અને સોમનાથમાં આવનારા યાત્રિકો માટે દાતાઓના સહયોગથી ખૂબ જ વિકાસનાં કામો કર્યાં હતાં તેમજ કેશુબાપાનાં ધર્મપત્ની સ્વ.લીલાવંતીબેન પટેલના નામે પણ કરોડોના ખર્ચે યાત્રિકોના આવાસ માટે લીલાવતી ભવનનું નિર્માણ કરેલું છે, જેનો દેશ-વિદેશથી આવતા યાત્રિકો લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત અનેક કામોને વેગ આપ્યો છે. ત્યારે સોમનાથ મંદિરના સાંનિધ્યમાં આવેલા ત્રિવેણી સંગમ નદી ઘાટ પર સ્વ.કેશુબાપાનાં અસ્થિનું વિસર્જનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં તેમનાં પરિવારજનો અને સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ત્રિવેણી સંગમ ઘાટ પર સ્વ.કેશુબાપાના અસ્થિવિસર્જનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
(ત્રિવેણી સંગમ ઘાટ પર સ્વ.કેશુબાપાના અસ્થિવિસર્જનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.)

 

કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું હતું. ગુજરાતના રાજકારણમાં ‘બાપા’ તરીકે જાણીતા કેશુભાઈ પટેલે જ ગુજરાતમાં ભાજપનો પાયો નાખ્યો હતો. તેમણે જ ગુજરાતમાં સૌ પહેલા પાર્ટીને સત્તા પર બેસાડી હતી અને છેલ્લાં 25 વર્ષથી સત્તા પર છે. ત્યારે કેશુબાપાના નિધનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના ગુજરાત પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here