કડી : કુખ્યાત શરીફખાનની હત્યાથી તંગદિલી, મૃતક Dysp મંજીતા વણઝારા પર હુમલાનો આરોપી હતો

0
61

કડીઃ કડીના કસ્બા વિસ્તારમાં રહેતા કુખ્યાત શરીફખાન ઘોરીની ગાડીને સોમવારે રાત્રે જાસલપુર નજીક કસ્બાની જ અસામાજિક તત્વોની ગેંગે ટક્કર મારી તેનું અન્ય ગાડીમાં અપહરણ કરી શહેરના ચબૂતરા ચોકમાં લઈ આવ્યા હતા. અહીં જાહેરમાં તેની ઉપર લોખંડની પાઈપો અને ધોકા વડે હુમલો કરતાં લોહીલુહાણ હાલતમાં તેને સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. જેમાં તેનું સારવાર દરમિયાન મોત થતાં કસ્બામાં તંગદિલી છવાઇ ગઇ હતી. જેને લઇ સ્થાનિક વેપારીઓએ ટપોટપ દુકાનો બંધ કરી દીધી હતી. તો વાલીઓ શાળામાંથી બાળકોને વહેલા ઘેર લઇ આવ્યા હતા. આ મામલે કડી પોલીસે સાત શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. પ્રેમલગ્નની અદાવતમાં હત્યા કરાઇ હોવાનું હાલના તબક્કે મનાય છે.

કસ્બા વિસ્તારમાં રહેતો શરીફખાન નાસિરખાન ઘોરી ડીવાયએસપી મંજીતા વણઝારા હુમલા કેસ સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો. અસામાજિક પ્રવૃતિ દરમિયાન વિસ્તારના અન્ય લોકો સાથે વારંવાર ઝઘડા અને ઘર્ષણો થતાં તે અન્ય અસામાજિક તત્વોની નજરે ચઢેલો હતો. તેમાં ઘાંચી સમાજની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેની અદાવત રાખીને કસ્બાના મલેક ઈરફાન ઉર્ફે ગીરી સહિત તેની ગેંગના છ શખ્સોએ શરીફખાનને મારવાનું કાવતરું ઘડ્યું હતું. દરમિયાન શરીફખાન સોમવારે રાતે 11 કલાકે તેના મિત્ર ચિશ્તી મોઈનમીયા સાથે સ્વીફ્ટ ગાડીમાં જાસલપુરથી કડી ચબુતરા ચોક તરફ આવી રહ્યો હતો.

તે દરમિયાન જાસલપુર નજીક મલેક ઈરફાન ઉર્ફે ગીરી સહિત તેની ગેંગના છ શખ્સોએ પીકઅપ ડાલુ અને 5765 નંબરની ક્રેટા ગાડી લઈને આવી શરીફખાનની સ્વીફ્ટ ગાડીને આંતરી ટક્કર મારી હતી. તેમજ ગાડી પર તલવારના ઘા ઝીંકતાં ચિશ્તી મોઈનમીયા ફરાર થઈ ગયો હતો. જ્યારે શરીફને પકડી ગીરી ગેંગ ક્રેટા ગાડીમાં નાખી શહેરના ચબુતરા ચોકમાં લઈ આવ્યા હતા. જ્યાં જાહેરમાં લોખંડની પાઈપો અને ધોકા વડે ઢોર માર માર્યો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં શરીફખાનને ભાગ્યોદય હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. જ્યાં તેનું મંગળવારે સવારે 10 કલાકે મોત થયું હતું. ઘટના અંગે મૃતકના મિત્ર શેખ અલ્તાફમીયાએ સાત શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાવતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

રમીજભાઈને કરેલા વાયદા પ્રમાણે કામ થઈ ગયું છે કહી ફરાર…
જાસલપુર પાસે આંતરી શરીફખાનને પકડી ગીરી ગેંગ ક્રેટા ગાડીમાં નાખી કડીના ચબુતરા ચોકમાં લાવી લોખંડની પાઈપો અને ધોકા લઇ તેની ઉપર તૂટી પડ્યા હતા. જેમાં તે લોહીના ખાબોચિયામાં ફસડાઇ પડ્યો ત્યાં સુધી મારતા રહ્યા . ત્યાર બાદ હુમલાખોરો રમીજભાઈ ઘાંચીને કરેલા વાયદા પ્રમાણે કામ થઈ ગયું છે તેમ કહી ફરાર થઈ ગયા હતા. શરીફખાનનું મંગળવારે મોત થતાં રાત્રે કડી લવાયો હતો.

આરોપી અને મૃતકનો ગુન્હાઇત ભૂતકાળ
આરોપી ઇરફાન ઉર્ફે ગીરી સલીમભાઈ મલેક લૂંટ, મારામારી,અપહરણ અને દારૂ સહિત ગુનાઓમાં સંડોવાયેલો છે. જ્યારે મૃતક શરીફખાન નાસીરખાન પણ લૂંટ, મારામારી, દારૂનો વેપાર, રાયોટિંગ જેવા ગુનાઓમાં સંડોવાયેલો હતો.

ફફડાટ : શાળામાંથી બાળકોને ઘરે લઈ ગયા
શરીફખાનનું મોત થયું હોવાના સમાચાર આવતાં જ મંગળવારે શહેરના કસ્બા વિસ્તારમાં લોકોના ટોળા ભેગા થવા લાગતાં વિસ્તારના વેપારીઓએ ધંધા રોજગાર બંધ કરી તેમજ શાળાએ ગયેલા બાળકોને ઘરે લઈ ગયા હતા. આ ઘટનાને પગલે શહેરમાં તંગદિલી સર્જાતાં મહેસાણા એસપી નીલેશ જાજડીયા કડી દોડી આવી કસ્બા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

આ 7 સામે હત્યાનો ગુનો

1.)મલેક ઈરફાન ઉર્ફે ગીરી સલીમભાઈ
2.)કાજી અલ્ફાજ ઉર્ફે મકો યુસુફભાઈ
3.)મલેક અરબાજ સલીમભાઈ
4.)દોલાણી તોફીક ઉર્ફે રબ્બર અબ્દુલરશીદ
5.)દોલાણી રઉફ અબ્દુલરશીદ
6.)ઘાંચી અશરફ ઉર્ફે અસલો ઈબ્રાહીમ
7.)ઘાંચી રમીજભાઈ મહંમદભાઈ
રહે.તમામ કડી, કસ્બા વિસ્તાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here