જૂનાગઢ : જિલ્લા કલેક્ટરે કરી જાહેરાત : ગરવા ગિરનારમાં દેવદિવાળીથી યોજાતી લીલી પરિક્રમા આ વર્ષે નહીં યોજાઈ.

0
5

કોરોનાની મહામારી વચ્ચે આ વર્ષે જૂનાગઢના ગરવા ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમા આ વર્ષે નહીં યોજાઈ. જૂનાગઢ જિલ્લા કલેક્ટરે જાહેરાત કરી છે કે, દર વર્ષે કારતક સુદ અગિયારસથી કાર્તિક પૂર્ણિમા સુધી યોજાતી લીલી પરિક્રમા આ વર્ષે યોજાશે નહીં.

કોરોનાના ગ્રહણનાં કારણે પ્રથમવાર પરિક્રમા નહીં યોજાઈ

ગરવા ગિરનારની 36 કિલોમીટરની પરિક્રમાની પરંપરા આ વર્ષે તૂટી ગઈ છે. પાંચ દિવસ લોકો પ્રકૃતિના ખોળે જય ગિરનારીના નાદ સાથે જીવ અને શિવના મીલનની આ પરિક્રમા આદી અનાદી કાળથી યોજાઈ છે. જેમાં 8 લાખથી 10 લાખ લોકો ગિરનારના જંગલમાં લીલી પરિક્રમા કરે છે. પરંતુ આ વર્ષે પ્રથમ વખત કોરોનાના ગ્રહણના કારણે ગિરનારની પરિક્રમા મોકુફ રાખવામાં આવી છે.

દર વર્ષે 8થી 10 લાખ લોકો લીલી પરિક્રમા કરવા માટે આવે છે

પરિક્રમામાં આવતા 8થી 10 લાખ પરિક્રમાર્થીઓ માટે 150 જેટલા અન્નક્ષેત્રો ગિરનારમાં પરિક્રમા રૂટ પર સ્વ ખર્ચે સેવા આપવા આવે છે. તેઓ આ વર્ષે નહીં આવે તેવી તેઓએ અગાઉથી જાહેરાત કરી દીધી હતી. ખાસ કરીને હાલ દિવાળીના તહેવારોમાં લોકોની ભીડ થતા કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. કોરોનાના કેસમાં વધારો થતા સંક્રમણ સતત વધી રહ્યું હોવાનું જણાઇ રહ્યું છે. ત્યારે લાખોની સંખ્યામાં લોકો એકઠા થાય તો આ મહામારી વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવનાને ધ્યાને લઇ લીલી પરિક્રમા બંધ રાખવામાં આવી છે.

જૂનાગઢને આર્થિક નુકસાની

લીલી પરિક્રમાને કારણે લાખોની સંખ્યામાં ભાવિકો આવતા જૂનાગઢના અનેક ધંધાર્થીઓને આવક થતી હતી. કોરોનાના કારણે પરિક્રમા બંધ રહેતા જૂનાગઢીઓને આવક બંધ થતા આર્થિક નુકસાની પણ ભોગવવી પડશે.